જેતપર રોડ પર શ્રમિક પરિવારની ફૂલ જેવી કુમળી બાળકી મધ્યરાત્રીએ લાપતા થયા બાદ તળાવમાંથી લાશ મળી હતી : પીએમ રીપોર્ટમાં દુષ્કર્મ થયાનો ઘટસ્ફોટ મોરબી : આ દેશ કઈ દિશામાં જઇ રહ્યો છે ? કિશોરીઓ, યુવતીઓ, વૃદ્ધાઓ બાદ હવે વિકૃત માનસિકતા ધરાવતા હેવનો કુમળા ફૂલ જેવી બાળકીઓને પીંખી રહ્યા છે અને સરકાર પોકસો જેવા કાયદા ધડી સંતોષ માની રહી છે ત્યારે મોરબીમાં ગઈકાલે મધ્યરાત્રીએ પાષાણ હદયના માનવીને પણ હચમચાવી દે તેવી કરુણ ઘટનામાં કોઈ નરાધમે અઢી વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચરી નિર્દોષને તળાવમાં ફેંકી હત્યા કરતા સનસનાટી મચી ગઇ છે. આ ચોંકાવનારી ઘટનાની વિગતો જોઈએ તો મોરબીના જેતપર રોડ ઉપર પાણી ભરેલા ખાડા માંથી આજે સવારે અઢી વર્ષની બાળાની લાશ મળી આવી હતી. આ લાશને પીએમ અર્થે મોકલતા બાળકી સાથે દુષ્કર્મ થયું હોવાનો ઘટસ્ફોટ થયો છે. હાલ આ મામલે પોલિસે શકમંદની અટકાયત કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. વધુમાં જેતપર રોડ ઉપર આવેલ રોઝાબેલા સીરામીક એકમના સામે પાણી ભરેલા ખાડા માંથી આજે સવારે અઢી વર્ષની બાળાની લાશ મળી હતી.આ બનાવની જાણ થતાં ડી વાય એસ પી તથા મોરબી તાલુકા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને બાલાના મૃતદેહ ને રાજકોટ પી એમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. બાળકીનો પીએમ રિપોર્ટ આવતા બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. ઘટના અંગે મળતી માહિતી મુજબ ગઈકાલે રાત્રે ૧૨ વાગ્યા આસપાસ સીરામીકના ક્વાર્ટરમાં રહેતા મજૂર પરિવારની બાળકીનું કોઈ અપહરણ કરી ગયું હતું. ત્યારબાદ બાળકી પર દુષ્કર્મ આચરીને તેની હત્યા કરી નાખવામાં આવી હતી. બાદમાં બાળકીને સીરામિક નજીક આવેલા પાણીના ખાડામાં ફેંકી દેવામાં આવી હતી. બાદમાં આજે સવારે ૯ વાગ્યે બાળકીની લાશ મળી હતી. મોરબી તાલુકા પોલીસે આ સંવેદનશીલ બનાવ અંગે બાળકીના પિતાની ફરિયાદ નોંધી હાલ અજાણ્યા શખ્સ સામે અપહરણ, બળાત્કાર અને હત્યાનો ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. જયારે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ પોલીસે હાલ એક શકમંદની અટકાયત કરી તેની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. આ મામલે મોરબીના પ્રજાજનોમાં રોષની લાગણી ફાટી નીકળી છે.