અગાઉ સરકારે પડતર પ્રશ્ન ઉકેલવાની ખાતરી આપ્યા બાદ કોઈ કાર્યવાહી ન કરતા આરોગ્ય કર્મીઓ લાલઘૂમ મોરબી : મોરબી જિલ્લા સહિત રાજ્યભરના આરોગ્ય કર્મચારીઓ પડતર પ્રશ્ને લડત ચલાવ્યા બાદ સરકારે ખાતરી આપીને પછી કોઈ કાર્યવાહી ન કરતા આરોગ્ય કર્મચારીઓ લાલઘૂમ બની ગયા હતા અને પોતાના હક્ક હિસ્સાની માગણી સાથે મોરબી જિલ્લાના 295 થી વધુ આરોગ્ય કર્મચારીઓએ માસ સીએલ ઉપર ઉતરીને ધરણા પ્રદર્શન કર્યું હતું અને સરકાર સમક્ષ પોતાની પડતર માંગણીઓને ઉકેલવાની માંગ કરી હતી. મોરબી સહિત રાજ્યના આરોગ્ય કર્મચારીઓએ ફરી સરકાર સામે પડતર પ્રશ્ને ન્યાય મેળવવા માટે લડત ચલાવવાનું એલાન આપ્યું હતું. આ અંગે આરોગ્ય કર્મચારી મહાસંધ મોરબીના પ્રમુખ સુરેશભાઈ બોપલીયા, ઉપપ્રમુખ તોફિકભાઈ બેલીમ, મુખ્ય કન્વીનર ડી. ટી. કૈલા સાહિતનાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંધ ગાંધીનગરના નેતુત્વ હેઠળ અગાઉ આરોગ્ય કર્મચારીઓએ પોતાના પડતર પ્રશ્ને ન્યાય મેળવવા માટે તબક્કાવારની લડત ચલાવી હતી. તે સમયે સરકારે આ પ્રશ્ન અંગે યોગ્ય કરવાની ખાતરી આપી હતી. પણ ત્યારબાદ આ દિશામાં કોઈ કાર્યવાહી કરી ન હતી. આથી, પોતાની સાથે છેતરપીંડી થયાના ઉગ્ર રોષ સાથે આરોગ્ય કર્મચારીઓએ ફરી સરકાર સામે મોરચો માંડ્યો છે. પોતાના પડતર પ્રશ્ને ન્યાય મેળવવા માટે સરકાર સામે લડત ચલાવવાની રણનીતિ ધડવા માટે તાજેતરમાં રાજ્ય આરોગ્ય કર્મચારી સંઘ દ્વારા પદમડુંગરી ખાતે બેઠક મળી હતી. જેમાં સર્વાનુમતે ફરીથી સરકાર સામે જોરદાર લડત ચલાવવાનો નિર્ણય લેવાયો છે. આથી, આજે મોરબી જિલ્લા પંચાયત કચેરી ખાતે 295થી વધુ આરોગ્ય કર્મચારીઓ માસ સીએલ ઉપર ઉતરી ઘરણા પ્રદર્શન કર્યું હતું. ગ્રેડ પે અને પગાર વિસંગતતા સહિતની 13 પડતર માંગણીઓ મામલે સરકાર સાથે અગાઉ મંત્રણા થયા બાદ ખાતરી આપી હતી પણ આ 13 પડતર માંગણીઓનો આજ સુધી સરકારે અમલ ન કરતા ફરીથી આરોગ્ય કર્મચારીઓએ લડત શરૂ કરી છે અને આજે માસ સીએલ ઉપર ઉતરી સરકાર સામે સુત્રોચ્ચારો કરીને ઉગ્ર દેખાવો કર્યા હતા.