મોરબી : ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજરાત સરકાર) ગાંધીનગર દ્વારા માન્ય આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્ર - મોરબી દ્વારા ગઈકાલે તા. 21ના રોજ સાંજે 6:30થી 7:30 વાગ્યા દરમ્યાન ગરબી ચોક ખાતે ઉમા ટાઉનશીપનાં ગ્રાઉન્ડમાં ખગોળીય મહાયુતિની ઘટના જોવા માટે પ્રોજેક્ટર લાઈવ તથા યુ-ટ્યુબ લાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો અનેક લોકોએ લાભ લીધો હતો. ગઈકાલે તા. 21મી ડિસેમ્બરના રોજ એટલે કે મહાયુતિના દિવસે ગુરુ અને શનિ બંને ગ્રહો એકબીજાથી માત્ર ૦.૧ અંશ જેટલા જ દૂર હતા. બંને મળીને જાણે એક તારો હોય તેવું લાગતું હતું. જો કે ધ્યાનપૂર્વક જોતાં તે બંનેને અલગ-અલગ જોઈ શકાયા હતા. હવે પછીના દિવસોમાં બંને વચ્ચે અંતર વધતું જશે અને પશ્ચિમ તરફ ગતિ કરતાં કરતાં બંને સૂર્યપ્રકાશમાં વિલીન થઈ જશે. પરંતુ આટલા નજીક તો જવલ્લે જ આવે છે. તેમ ૨૧મી ડિસેમ્બર આ વર્ષનો સૌથી નાનો દિવસ હતો. સાથોસાથ સાયન પદ્ધતિ પ્રમાણે ઉત્તરાયણનો દિવસ પણ હતો. જે મુજબ આ દિવસે સૂર્ય દક્ષિણથી ઉત્તર તરફ પ્રયાણ કર્યું હતું. તેમ આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્રના એલ. એમ. ભટ્ટ અને દીપેન ભટ્ટએ યાદીમાં જણાવ્યું છે.