મોરબી : 'સમાજનો સાથ એજ સમાજનો વિકાસ' સૂત્ર સાથે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી–માળિયા તાલુકા દ્વારા નવનિયુક્ત ગામ સમિતિના હોદ્દેદારોનો ભવ્ય સત્કાર અને સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમ મોરબી–માળિયા ફાટક પાસે સ્થિત ટિંબાવાળી મેલડી માં મંદિર, મોરબી–2 ખાતે યુવા ઉર્જા અને સંગઠનની ભાવના સાથે સંપન્ન થયો.આ સમારોહ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાને વધુ સંગઠિત કરવાના વિશાળ અભિયાનનો એક ભાગ હતો. કાર્યક્રમ દરમિયાન નવા હોદ્દેદારોને તેમની જવાબદારીઓ સોંપવામાં આવી હતી. સંગઠને આગામી સમયમાં સમાજમાં શિક્ષણને સૌથી મજબૂત પાયો બનાવવા માટે સક્રિય કામગીરી કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.ગુજરાત ચુવાળીયા ઠાકોર સમાજના જાગૃતિ અભિયાનને આગળ ધપાવતા અલ્પેશજી ઠાકોરના માર્ગદર્શન હેઠળ 26 જાન્યુઆરીના રોજ ગાંધીનગર ખાતે રાત્રે 3 વાગ્યે યોજાનારા મહાસંમેલન અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત, સૌરાષ્ટ્રભરમાં એક જ દિવસે, એક જ સમયે સ્નેહમિલન કાર્યક્રમો યોજી સંસ્થાની એકતા, શિસ્ત અને સંકલ્પને મજબૂત કરવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.આયોજકો હેમંતભાઈ સુરેલા (પ્રમુખ – મોરબી જિલ્લા), જીતેશભાઈ પરમાર (પ્રમુખ – મોરબી તાલુકા), યોગેશભાઈ ઉધરેજા (પ્રમુખ મોરબી શહેર), વિજયભાઈ દેગામા (ઉપપ્રમુખ મોરબી તાલુકા), અમિતભાઈ ભીમાણી (ઉપપ્રમુખ મોરબી શહેર), મનીષભાઈ ઠાકોર (ઉપપ્રમુખ મોરબી શહેર), ભરતભાઈ પરમાર (કાર્યકર્તા- ટંકારા તાલુકા) ભરતભાઈ સરવૈયા (કાર્યકર્તા મોરબી) સહિતનાઓના સંયુક્ત સહકારથી આ કાર્યક્રમ સફળ રહ્યો હતો, જેના અંતે તમામ સભ્યોએ ભોજન પ્રસાદ ગ્રહણ કરી એકતાને વધુ મજબૂત કરી હતી.