રસ્તાની કામગીરી ચાલુ હોવાથી લોકોને હવે નેશનલ હાઇવે જવા મોરબી શહેરમાંથી પસાર થવું પડશે મોરબી : મોરબીથી લીલાપર અને ત્યાંથી જોધપર જવાના રસ્તે દરરોજ કલાકો સુધી ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળે છે. અહીં રોડનું કામ ચાલુ છે. સાથે રસ્તો પણ ચાલુ હોય ભારે ટ્રાફિક સર્જાતો હતો. જેના કારણે રોડની કામગીરીમાં પણ અડચણ ઉભી થતી હતી. જેના પગલે જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરીને રફાળેશ્વરથી કેનાલ રોડ એક મહિના માટે બંધ કરી દેવામાં આવ્યો છે. મોરબીના રફાળેશ્વર (કેનાલ) રોડનું હાલ કામ ચાલુ હોય આ કામમાં વાહનોની અવરજવર થવાથી અડચણ ઉભી ન થાય અને કામ ઝડપી રીતે થઈ શકે તે માટે જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરીને રોડને આગામી 28 જૂન સુધી બંધ કરી દેવામાં આવ્યો છે. જેથી હવે વાહનચાલકોને નેશનલ હાઇવે જવા મોરબી શહેરમાંથી પસાર થવાનું રહેશે. ઉલ્લેખનીય છે કે, જિલ્લા કલેક્ટર દ્વારા આ જાહેરનામામાં ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમના વાહનો, ફાયર ફાઈટર, સ્કૂલ-કોલેજના વાહનો તેમજ પૂર્વ મજૂરી મળી હોય તેવા વાહનોને મુક્તિ આપવામાં આવી છે. એટલે તેઓ આ રોડ ઉપર અવરજવર કરી શકશે.