મોરબી : મોરબીમાં ગુજરાત સરકારની મહિલા અને બાળવિકાસ વિભાગના માર્ગદર્શન હેઠળ મહિલા સુરક્ષા સંમેલન સાથે અભિયમ મહિલા સુરક્ષા સંમેલન યોજાયું હતું. જેમાં અલગ અલગ ક્ષેત્રોમાં અનેરું યોગદાન આપનાર 15 મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં ગુજરાત બાળ અધિકારી સંરક્ષણ આયોગ ના ચેરમેન જાગૃતિબેન પંડ્યા, ગુજરાત પછાતવર્ગ વિકાસ નિગમના ચેરમેન નરેન્દ્રભાઈ સોલંકી, જિલ્લા મહિલા ભાજપ પ્રમુખ મંજુલાબેન દેત્રોજા, જિલ્લા કલેકટર આર જે માકડીયા, ડીડીઓ એસ એમ ખટાણા, પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, એસ પી કરનરાજ વાઘેલા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ તકે દહેજ પ્રતિબંધક અધિકારી અવનીબેન દવે, અભિયામ કાઉન્સેલર અલ્કાબેન પરમાર, જિલ્લા બાળ સુરક્ષા એકમના રંજનબેન મકવાણા, મહિલા પીએસઆઇ વિશાખા ગોંડલીયા, વકીલ રસીલાબેન પરમાર, લીગલ એડવાઈઝર ખુશ્બુબેન કોઠારી સહિતના 15 મહિલાઓના તેમના ક્ષેત્રમાં યોગદાન બદલ સન્માનિત કરાયા હતા. ઉપરાંત 181 અભિયામ હેલ્પ લાઈન વિષે મહિલાઓને સમજણ અપાઈ હતી. આ તકે જાગૃતિબેન પંડ્યા એ મહિલાઓને સંબોધતા કહ્યું હતું કે ગુજરાતમાં મહિલાઓ માટે સુખ, સમૃધ્ધિ અને શાંતિ નું વાતાવરણ છે હજુ પણ મહિલાઓને અસુવિધા હોય તો તેના માટે રાજ્ય સરકાર ખડેપગે છે. દ્રઢ સંકલ્પ, દ્રઢ મનોબળ અને આત્મવિશ્વાસ હશે તો તમને કોઈ હરાવી નહિ શકે. મહિલાઓ માટે રાજ્ય સરકારની અનેક કલ્યાણકારી યોજના વિષે તેમને માહિતી આપી હતી વધુ માં જણાવ્યું હતું કે તમે તમારા હક માટે લડશો તો તમે બીજાને હક આપવી શકશો.