ડીડીઓએ નોટિસ પાઠવી સુનવણીની મુદત આપી પરંતુ સરપંચ ગેરહાજર રહ્યા : ગ્રામપંચાયતમાં પણ સરપંચની ગેરહાજરીને કારણે અનેક કામો અટક્યા મોરબી : મોરબીના મહેન્દ્રનગર ગામના સરપંચ અને સભ્યો સામે નાણા ઉપાચતનો કેસ ચાલી રહ્યો છે. ઉપરાંત આ મામલે ડીડીઓની સુનવણીની મુદતના રોજ પણ તેઓ ગેરહાજર રહ્યા હતા. જેથી સરપંચ અને તેના સભ્યોને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ સાથે ઉપસરપંચે ડીડીઓને રજુઆત કરી હતી. મહેન્દ્રનગર ગ્રામપંચાયતના ઉપસરપંચ રાજાભાઈ મનજીભાઈએ ડીડીઓને રજુઆતમાં જણાવ્યું હતું કે મહેન્દ્રનગર ગામના સરપંચ અને સભ્યો પર મોરબી સીટી બી ડિવિઝનમાં તા. ૨૬ જુલાઈના રોજ નાણાની ઉપાચત અંગેનો કેસ દાખલ થયેલ છે. ઉપરાંત સરપંચ હેતલબેન નરેન્દ્રભાઈ મૂછડીયા તથા તેમના સભ્યોએ મિટિંગમાં બહાલી આપીને અયોગ્ય કૃત્ય કરેલ છે. સરપંચ સામે ફરિયાદ દાખલ થયા બાદ આજ સુધી તેઓ ગ્રામપંચાયતે આવ્યા નથી. સરપંચની ગેરહાજરીના લીધે ગ્રામપંચાયતમાં તમામ વિકાસના કામો થંભી ગયા છે. સરપંચ હેતલબેન મૂછડીયા અને તેના સભ્યોને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા નોટિસ આપીને ખુલાસા માટેની મુદત આપી હતી. પરંતુ મુદતના દિવસે તેઓ ગેરહાજર રહ્યા હતા. જેથી સરપંચ અને તેના સભ્યોને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ છે. અન્યથા ગાંધી ચીંધ્યા માર્ગે જવાની ચીમકી પણ ઉચ્ચારવામા આવી છે.