મોરબી : મોરબીમાં પાલિકાના પાપે ઠેર ઠેર ગંદકીના ગંજ ખડકાયા છે. સફાઈ કામગીરીમાં પાલિકા તંત્ર ઉણું ઉતર્યું હોય એમ રોજબરોજ સફાઈ કરાવવા માટેની અનેક ફરિયાદો પાલિકાને મળે છે. ત્યારે હાલ વોર્ડ નંબર 6મા આવેલા મહેન્દ્રપરા વિસ્તારમાંથી પણ સફાઈ કરાવવાનો પોકાર ઉઠ્યો છે. વોર્ડ નં 6મા આવેલી મહેન્દ્રપરા શેરી નં 2મા ગટર ઉભરાવવાની કાયમી સમસ્યા છે. આ શેરીમાં સફાઈ કર્મચારી કચરો વાળવા કે સ્થાનિકોએ વાળીને એકઠો થયેલો કચરો ઉપાડવા કોઈ આવતું ન હોવાની વારંવાર અનેક ફરિયાદો કરેલી હોવા છતાં તંત્ર કોઈ અગમ્ય કારણોસર એ પ્રત્યે ઉદાસીનતા સેવે છે. અસહ્ય ગંદકીને કારણે સ્થાનિકોનું રહેવું દુષ્કર બની ગયું છે. બાળકો-વૃદ્ધો આ ગંદકીને કારણે વારંવાર બીમાર પડે છે. મચ્છરોનો સખ્ત ઉપદ્રવ હોવાથી દર 2 ઘરે માંદગીના બિછાના છે ત્યારે સ્થાનિકોએ સહી ઝુંબેશ કરીને આ ત્રાસદીમાંથી પાલિકા તાત્કાલિક રહીશોને મુક્તિ અપાવે તેવી માંગ કરી છે. [gallery ids='65252,65253,65254']