ચારે બાજુથી વાહનોની મોટી સંખ્યામાં અવર જવર રહેતી હોવાથી અકસ્માતનું જોખમ : તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ મોરબી : મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અકસ્માતોના બનાવો ટાળવા સર્કલ બનાવવાની જરૂરિયાત છે. આ જગ્યાએ ચારેય રોડ પરથી સામસામે મોટી સંખ્યામાં વાહનો આવે છે. જેથી વાહન અકસ્માતનું જોખમ તોળાઈ રહ્યું છે. ત્યારે સંબંધિત તંત્ર સર્કલ બનાવવાની તાત્કાલિક કાર્યવાહી કરે તેવી પ્રબળ માંગ ઉઠી છે. મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ હળવદ, નેશનલ હાઇવે, પીપળી સહિત ચાર તરફના માર્ગો નીકળે છે. મહેન્દ્ર ચોકડીએ દરરોજ હજારોની સંખ્યામાં વાહનો નીકળે છે. અહીં ઔદ્યોગિક ઝોન હોવાથી ભારે વાહનોની પણ મોટી સંખ્યામાં અવર જવર રહે છે. આ ભારે વાહનો માતેલા સાંઢ માફક દોડતા હોવાથી નાના વાહનો પર અકસ્માતનું જોખમ તોળાઈ રહ્યું છે. ભૂતકાળમાં અહીં અનેક અકસ્માતના બનાવો બન્યા છે. અહીં ટ્રાફિક પ્રશ્ન પણ રહે છે. ત્યારે અકસ્માતના બનાવો અટકાવવા મહેન્દ્રનગર ચોકડીએ સર્કલ બનાવવાની તાતી જરૂરિયાત છે. સંબંધિત તંત્ર આ બાબતે વિચારણા કરીને તાત્કાલિક કાર્યવાહી કરે તેવી માંગ પ્રબળ બની છે.