વણિક વેપારીનું મૃત્યુ નિપજતા પુત્રોની વિનંતીને પગલે રામ - રહીમ ટ્રસ્ટના હિન્દૂ - મુસ્લિમ કાર્યકર્તાઓએ અગ્નિ સંસ્કાર કરાવ્યા મોરબી : મોરબીમાં યોજાયેલ ખાનગી મેળામાં રાઈડસ લઈને ધંધાર્થે આવેલા પરપ્રાંતીય વણિક વેપારીનું અચાનક અવસાન થતાં મોરબીની સ્થાનિક સંસ્થાએ અંતિમવિધિ કરાવી માનવતા મહેકાવી હતી. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીમાં યોજાયેલ ખાનગી મેળામાં રોજી રોટી કમવવા આવેલા ઉત્તરપ્રદેશના વણિક વેપારીનું કોઈ કારણોસર અવસાન થતાં તેમના પુત્ર સોનુભાઈ અને ભારતભાઈ મૂંઝવણમાં મુકાયા હતા. વધુમાં વણિક વેપારીના પુત્રોએ આ મામલે રામ રહીમ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ હુશેનભાઈ ભટીને પોતાની મુશ્કેલી જણાવી અહીં અમારૂ કોઈ સગા સ્નેહી ન હોય અંતિમ વિધિ કેમ કરવી તેની ચિંતા વ્યક્ત કરી હતી. જેથી રામ રહીમ ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ હુસેનભાઇ ભટૃી, મુસાભાઇ બ્લોચ, રાજુભાઇ દવે, કૌશલભાઈ મહેતા, સહિતનાં સભ્યોએ સાથ સહકાર આપી હિન્દુસ્તોત્ર મુજબ ગોરખપુરના વણિક વેપારીની અંતિમ વિધિ કરી હતી.