સરકારને ચૂંટણી પહેલા પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવા અલ્ટીમેટમ:૧૨મીએ મોરબી-વાંકાનેરમાં વિશાળ રેલી મોરબી:પગાર,પેન્શન સહિતના પ્રશ્ને છેલ્લા એક વર્ષ કરતા વધુ સમયથી લડત ચલાવી રહેલા આંગણવાડી કર્મચારીઓની માંગણી પ્રત્યે સરકારે લક્ષ્ય ન આપતા હોય આંગણવાડી વર્કરોની ધીરજ ખૂટી છે,ગઈકાલે મોરબી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી આગામી ૧૧,૧૨ અને ૧૩ ઓક્ટોબરે હડતાળની જાહેરાત કરી બહેનોએ ચૂંટણી પહેલા ભાજપ સરકારને પ્રશ્ન ઉકેલવા અલ્ટીમેટમ આપ્યું છે. પગાર વધારા,ગ્રેચ્યુઇટી અને પેન્શન સહિતના પ્રશ્ને આંગણવાડી કર્મચારીઓ દ્વારા સતત રજુઆત કરવામાં આવી રહી છે છતાં સરકાર દ્વારા કોઈ ઉકેલ લાવવામાં ન આવતા ગઈકાલે આંગણવાડી વર્કરો દ્વારા મોરબી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી આગામી ૧૧ ઓક્ટોબરથી ત્રણ દિવસની હડતાલ પર ઉતરવા જણાવી તારીખ ૧૨ ના તોજ મોરબી અને વાંકાનેર ખાતે વિશાળ રેલી યોજવાનું જાહેર કર્યું હતું. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર સમક્ષ ગુજરાત આંગણવાડી વર્કરો દ્વારા ગત.ફેબ્રુ અને માર્ચમાં સરકાર સમક્ષ માંગણીઓ કરવામાં આવી હતી જેમાં ૭૦૦૦૦ આંગણવાડી વર્કરો-હેલ્પરોએ આંદોલનમાં ભાગ લીધો હતો. આંગણવાડી કર્મચારીઓ દ્વારા જણાવાયુ હતું કે દેશના ૮ રાજ્યોમાં ગત વર્ષે પગાર વધારો કરાયો છે અને ચાર રાજ્યોમાં તો રૂ.૧૦૦૦૦ પગાર આપવામાં આવે છે.તો ગુજરાતમાં માત્ર રૂ.૫૫૦૦ વર્કરનેઅને રૂ.૨૮૦૦ હેલ્પરોને આપવામાં આવે છે. આંગણવાડી વર્કર પાસેથી મુખ્ય કામગીરી ઉપરાંત ૩૬ જેટલી વધારાની કામગીરી લેવાય છે.તેનું કોઈ જ વળતર ચૂકવાતું નથી.જે મામલે આવેદનપત્ર આપી માંગણી કરવામાં આવી છે કે દેશના ૮ રાજ્યોની જેમ પગારમાં વધારો કરવામાં આવે,નિવૃતી વયમર્યાદા ૬૦ વર્ષ કરવામાં આવે,પ્રો.ફંડ.,ઇ.એસ.આઈ ની યોજના લાગુ કરવામાં આવે, હેલ્પરમાથી વર્કરમાં ૫૦% જગ્યામાં પ્રમોશન આપવામાં આવે જેવી અનેક માંગણીઓ કરવામાં આવી હતી. અંતમાં આંગણવાડી વર્કર બહેનો દ્વારા રાજ્ય સરકારને ચૂંટણી પહેલા પ્રશ્ન ઉકેલવા માંગણી કરી હતી અને જો માંગ નહીં સ્વીકારાય તો ચૂંટણીમાં જોયા જેવી થશે તેવું સ્પષ્ટ જણાવી આગામી ગરીબ મેળાનો બહિષ્કાર કરવાનું પણ ખુલામખુલા જણાવ્યું હતું.