ડાયરાનું મેદાન ટૂંકું પડ્યું : લોકડાયરામાં આગેવાનોએ દિલ ખોલીને દરિયાદીલી વહેવતા લાખો રૂપિયાનો વરસાદ મોરબી : મોરબીમાં મંગળવારે રાત્રે કીર્તિદાન ગઢવી અને માયાભાઈ આહીરના સંગાથે શહીદોના લાભાર્થે જાહેર લોકડાયરોનું આયોજન કરવામાં આવ્યું હતું. એક શામ શહીદો કે નામ લોકડાયરામાં હકડેઠઠ મેદની ઉમટી પડતા મેદાન ટૂંકું પડ્યું હતું અને લોકોએ અદભુત દરિયાદીલી દેખાડી એક જ રાત્રીમાં ૨૨ લાખની સરવાણી વહાવી હતી. પુલવામાંના શહીદોના પરિવારોના લાભાર્થે મોરબી ખાતે ખ્યાતનામ કલાકારો કીર્તિદાન ગઢવી તેમજ માયાભાઈ આહીરનો લોકડાયરાનું ભવ્ય આયોજન થયું હતું. મોરબીના પાટીદાર નવરાત્રી મહોત્સવ સમિતિ અને મોરબી જિલ્લા મીડિયા ગ્રુપ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં પાટીદાર નવરાત્રી મહોત્સવના અજયભાઈ લોરીયા અને તેની સમગ્ર ટિમ તેમજ મોરબી નગરપાલિકાના પ્રમુખ અને યુવા આગેવાન કેતનભાઈ વિલપરાના સંકલનમાં જહેમત ઉઠાવવામાં આવી હતી. એક શામ શહીદો કે નામ લોક ડાયરા અંગે અજયભાઈએ જણાવ્યું હતું કે તેમની ૨૫ લોકોની ટિમ દ્વારા પુલવામાંના શહીદોના પરિવાર માટે અત્યાર સુધીમાં ૨૭ લાખથી વધુ રકમનો ફાળો એકત્રિત કરવામાં આવ્યો છે અને લોક ડાયરામાં રાત્રીના ૨૨ લાખથી વધુ રકમનો વરસાદ વરસ્યો હતો. આ તમામ ધનરાશી જે તે રાજ્યના શહીદોને સરખાભાગે હાથો-હાથ પહોંચાડવામાં આવશે જેમાં જે તે રાજ્યના શાસનકર્તા કે આધિકારીક આગેવાનોને સાથે રાખીને શહીદોના પૈતૃક ગામોમાં રૂબરૂ જઇને રોકડ ધનરાશી પહોંચાડવાની સાથે એમનું સન્માન પણ કરવામાં આવશે શહીદ પરિવારના યુવાન દેશના ગૌરવ અને રક્ષા માટે ફના થયા છે ત્યારે એ પરિવાર પાસે રૂબરૂ જઈને ઋણ સ્વીકાર કરવાના હેતુસર આ આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક દાયરામાં મોરબીની જનતા, સંસ્થાઓ, સમાજના લબ્ધ પ્રતિષ્ઠિત આગેવાનો, એસોશિએશનોના હોદ્દેદારો, ટ્રસ્ટો, મંડળોએ ઉપસ્થિત રહી દેશ માટે શહાદત વ્હોરનારા વીર જવાનોના પરિવારને મદદરૂપ થવા હેતુ ખુલ્લા હાથે દાનની સરવાણી વહાવી હતી. આ કાર્યક્રમમાં બહેનો માટે ખાસ અલાયદી બેઠક વ્યવસ્થા, સુરક્ષિત પાર્કિંગ તેમજ સાનુકૂળ તમામ વ્યવસ્થા રાખવામાં આવી હતી. સુનિયોજિત ટ્રાફિક નિયંત્રણ વ્યવસ્થાની ગોઠવણને કારણે કાર્યક્રમમાં હાજર રહેનાર જનતાને કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો ન હતો. મોટે ભાગે જાહેર લોકડાયરામાં બહેનો ખાસ ઉપસ્થિત નથી રહેતા. પરંતુ આ લોકડાયરાને બહોળી સંખ્યામાં બહેનોએ માણ્યો હતો. અલાયદી બેઠક વ્યવસ્થાની આયોજકોની ગોઠવાણને કારણે બહેનો પણ શહીદો માટે યોજાનાર કાર્યક્રમમાં ઉમટી પડી હતી. મંગળવારે રાત્રે 9:30 કલાકે સ્કાય મોલની બાજુમાં, રત્નકલા એક્સપોર્ટનો વંડો, (ગાંધીનો વંડો) મોરબી ખાતે આયોજિત લોકડાયરામાં કીર્તિદાન ગઢવીએ શૌર્ય ગીતોની રમઝટ બોલાવી હતી. દેશભક્તિના ગીતો ઉપર શ્રોતાઓએ રૂપિયાનો વરસાદ વરસાવ્યો હતો. માયાભાઈ આહિરે શૌર્યગાથાઓ વર્ણવતા શ્રોતાઓમાં જુસ્સો વ્યાપી ગયો હતો. એક - એક પ્રસ્તુતિને મળતી દાદથી કલાકારો પણ રંગમાં આવી ગયા હતા. વચ્ચે વચ્ચે મોદી... મોદીના... નારાઓ ગુંજતા રહ્યા હતા. કાર્યક્રમના અંતે કીર્તિદાન ગઢવીએ મીડિયા સાથેની વાતચીતમાં મોરબીની જનતાના દેશપ્રેમના જુસ્સાને સલામી આપતા જણાવ્યું હતું કે આ એમના જીવનનો અભૂતપૂર્વ લોકડાયરો હતો. ભારતે લીધેલા યોગ્ય બદલાને કારણે દેશમાં લોકજુવાળ સર્જાયો છે ત્યારે વિશ્વે પણ આ જુસ્સાની અને સૈન્યની બહાદુરીની નોંધ લીધી છે. આ ડાયરામાં એકઠી થયેલી તમામ ધનરાશી શહીદોના પરિવારને હાથો હાથ અર્પણ કરવામાં આવશે. આ સદકાર્યનો હિસ્સો બનતા હું મારી જાતને ગૌરવિંત મહેસુસ કરું છું એમ અંતમાં કીર્તિદાને જણાવ્યું હતું. જ્યારે માયાભાઈ આહિરે મીડિયા સાથેની વાતચીતમાં એમની આગવી શૈલીમાં જણાવ્યું હતું કે ગાંધી બાપુ એવું કહેતા કે કોઈ એક ગાલે થપ્પડ મારે તો બીજો ગાલ ધરવો, પણ આજનો જમાનો ઈંટનો જવાબ પથ્થરથી આપવાનો છે અને ભારતીય સેનાએ એ કાર્ય કરી બતાવ્યું છે. આ લોકડાયરામાં માજી ધારાસભ્ય કાંતિ અમૃતિયા, આર.આર.એસના પશ્ચિમ ક્ષેત્રના સર સંચાલક જેન્તીભાઈ ભાડેશીયા તેમજ નામી અનામી અગ્રણીઓ હાજર રહ્યા હતા અને શહીદ પરિવારોને મદદરૂપ થવા સૌ કોઈએ યથા શક્તિ યોગદાન આપ્યું હતું. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en