ભૂગર્ભને તોડી અન્યો દ્વારા કનેક્શન લેવામાં આવશે તો કાયદાકીય કાર્યવાહી કરવાની સ્થાનિકોની ચીમકી મોરબી : મોરબીની ન્યુ ચંદ્રેશનગર સોસાયટીમાં અન્યો દ્વારા ભૂગર્ભ ગટર અને રોડને તોડી ભૂગર્ભમાંથી ગેરકાયદે કનેક્શન લેવાની હિલચાલ કરાતા આ સોસાયટીના રહીશોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે અને આ મામલે સ્થાનિક રહીશોએ કલેકટરને આવેદનપત્ર પાઠવી, જો અન્યો દ્વારા ભૂગર્ભ ગટરમાંથી ગેરકાયદે કનેક્શન લેવામાં આવશે તો કાયદાકીય કાર્યવાહી કરવાની ચીમકી આપી છે. મોરબી શહેરના મુનનગર મેઈન રોડ ઉપર આવેલ 225 થી વધુ આવાસોની ન્યુ ચંદ્રેશનગર સોસાયટીમાં રહેતા લોકોએ કલેકટરને આજે આવેદનપત્ર પાઠવીને રજુઆત કરી હતી કે તેમની સોસાયટીમાં બહુમાળી ઇમારાતો વગર મંજૂરીએ બનાવવામાં આવી છે.જેની ભૂગર્ભના નિકાલની લાઈનોના કનેક્શન ન્યુ ચંદ્રેશનગરના સોસાયટીના લોકોએ સ્વખર્ચે બનાવેલી ભૂગર્ભ લાઈનમાં આપવા માટે રાજકીય દબાણ ઉભું કરી આ ભૂગર્ભ તોડવાની હિલચાલ કરવામાં આવતી હોવાનું જણાવ્યું છે. નવા બહુમાળી ઇમારતોના ભૂગર્ભ કનેક્શન તેમની સોસાયટીના ભૂગર્ભમાં આપવા માટે નવા સીસીરોડ તોડવાની પણ પેરવી થઈ રહી છે. જો કે આ સોસાયટીમાં રહીશોની સંખ્યા મુજબ જ ભૂગર્ભ બનાવવામાં આવી છે. તેથી, જો નવી 15 બહુમાળી ઇમારતોના ભૂગર્ભ કનેક્શન તેમની સોસાયટીની ભૂગર્ભમાં અપાઈ તો ભૂગર્ભ ચોકઅપ થવાની સમસ્યાઓ વધશે અને લોકોએ ભૂગર્ભ ઉભવવાની સમસ્યાઓનો સામનો કરવો પડશે. તેથી, આ હિલચાલ રોકવામાં આવે તેવી માંગ કરી છે. તેમ છતાં આ રીતે ભૂગર્ભમાં કનેક્શન લેવામાં આવશે તો કાયદાકીય મુજબ કાર્યવાહી કરવાની ચીમકી આપી છે.