મોરબી : સરકારી કામોમાં થતો ભ્રષ્ટાચાર એટલી હદે ફૂલ્યોફાલ્યો છે કે એ સહન કર્યા સિવાય નાગરિકોને કોઈ છૂટકો જ નથી. ઘણી વખત નજર સામે થતો ભ્રષ્ટાચાર સ્વાભાવિક લાગવા માંડે એ હદે સરકારી કામોમાં ભ્રષ્ટાચાર થતો હોય છે. ત્યારે મોરબી તાલુકામાં નાલાઓના બાંધકામમાં થયેલા ભ્રષ્ટાચારનો વીડિયો વાયરલ થતાં ચકચાર મચી છે. મોરબી તાલુકાના મોરબી હળવદ હાઈવે પર આવેલા નીચીમાંડલથી ઝીકિયારી જતા રોડ પર છેલ્લા બે વર્ષથી નાલાઓ બનાવવાનું કામ ચાલુ છે. બે વર્ષથી ચાલતું આ કામ હજુ પૂરું થવાનું નામ લેતું નથી ત્યારે આ રોડ પરના નાલાઓ પૈકી અમુક નાલાઓના નબળા બાંધકામની ફરિયાદો ઉઠી છે. આ નાલાઓના કામમાં ભ્રષ્ટાચારના ગાબડા ઉજાગર કરતો એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં એક યુવાન રસ્તે જતાં વાહન ચાલકો અને રાહદારીઓને બતાવી રહ્યો છે કે કઈ રીતે પથ્થરનો જરા અમસ્તો ઘા કરવાથી જ કહેવાતા સિમેન્ટ કોંક્રિટના કામોમાં ગાબડા પડી રહ્યા છે. છેલ્લા બે વર્ષથી નીચીમાંડલ અને ઝીકિયારી વચ્ચે આવેલા નાલાઓના ધીમીગતિના બાંધકામને કારણે હજુ આ કામો ક્યારે પુરા થશે એ કહી શકાય તેમ નથી. https://www.youtube.com/watch?v=XE0efLoDMe0 સ્થાનિકોને તેમજ વાહનચાલકોને ચોમાસા દરમિયાન ખાસી અગવડતા વેઠવી પડી રહી હતી અને જ્યારે મહામુસીબતે આ કામના કોન્ટ્રાક્ટ અપાયા ત્યારે લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે અત્યારે જે પ્રકારના દ્રશ્યો વીડિયોમાં દર્શાઇ રહ્યા છે તે જોતા આસપાસના ગ્રામીણોની રાહત લાંબી ટકી શકે તેવું દેખાતું નથી. નબળા કામને લઈને સ્થાનિકોએ કોન્ટ્રાક્ટરને રજૂઆત કરી છે. આમ છતાં કોન્ટ્રાક્ટરે આ ફરિયાદ કાને ન ધરતા માર્ગ અને મકાન વિભાગને સ્થાનિકો રજૂઆત કરવા જઈ રહ્યા હોવાનું જાણવા મળે છે ત્યારે હવે જોવું રહ્યું કે નબળા બાંધકામને લઈને ઉઠેલી ફરિયાદનું નિરાકરણ આવે છે કે કેમ?