ડીડીઓએ ભૂગર્ભ ગટરનું કામ આવતીકાલથી જ શરૂ કરી દેવાનો આદેશ કરતા મામલો સમ્યો મોરબી : મોરબીના ઉમિયાગર વિસ્તારના લોકોએ આજે પાણી અને ગંદકીના પ્રશ્ને ડીડીઓની ઓફીસ બહાર રામધૂન બોલાવી હતી. જો કે ડીડીઓએ આવતીકાલથી જ આ પ્રશ્નનું નિરાકરણ લાવવાનું કામ શરૂ કરી દેવાનો આદેશ આપતા મામલો શાંત પડ્યો હતો. મોરબીના ઉમિયાનગર વિસ્તારમાં છેલ્લા અઢી મહિનાથી ગંદકી અને પાણીનો પ્રશ્ન છે. આ મામલે તંત્ર સમક્ષ સ્થાનિકોએ અનેક વખત રજુઆત કરી છે. ઉપરાંત બે દિવસ પૂર્વે જિલ્લા કલેક્ટરને પણ આ મામલે રજુઆત કરી હતી. તેમ છતાં આ મામલે કોઇ નિરાકરણ ન આવતા અંતે આજે ગ્રામજનો રોષે ભરાઈને ડીડીઓની ઓફીસે દોડી ગયા હતા. જ્યા તેઓએ રામધૂન બોલાવીને તંત્રને સદબુદ્ધિ આપવા ભગવાનને પ્રાર્થના કરી હતી. રામધૂનના કાર્યક્રમને લીધે ડીડીઓએ કચેરીની બહાર આવી ઉમિયાનગરના સ્થાનિકોની રજુઆત સાંભળી હતી. અને તુરંત જ આવતીકાલે ભૂગર્ભ ગટર સહિતના કામો શરૂ કરાવવા સબંધિત અધિકારીને સૂચના આપી હતી. જેથી ઉમિયાનગરના સ્થાનિકો કચેરીએથી પરત ફર્યા હતા.