ગંગા સ્વરૂપ (વિધવા) સહાય સમિતી, લાયન્સ કલબ ઓફ મોરબી અને જ્યુપિટર દ્વારા થશે તૃતિય સમૂહ લગ્નનું આયોજન મોરબી : મોરબી શહેરમાં સપ્ટેમ્બર ૨૦૧૦થી દેવકરણભાઇ આદ્રોજા તથા ચંદ્રકાંતભાઇ દફતરી દ્વારા ગંગા સ્વરૂપ (વિધવા) સહાય સમિતીની રચના કરવામાં આવી હતી. મોરબી તથા આજુબાજુના વિસ્તારના વિધવા બહેનોને સહાયરૂપ થવા અને તેઓને પગભર કરવાના પ્રયાસો કરવાના હેતુ સાથે આ સંસ્થા શરૂ કરવામાં આવી હતી. જે સંદર્ભે વિવિધ સ્થળોએ ૧૧ કેન્દ્રો દ્વારા ૧૩૦૦ થી વધુ બહેનોને દર મહિને અનાજની સહાય કરવામાં આવે છે. વાર-તહેવારે આ બહેનોને મીઠાઇ વિતરણ, કપડા વિતરણ પણ કરવામાં આવે છે. માંદગી સમયે વિધવા બહેનોને હોસ્પિટલની સારવાર અપાવવામાં આવે છે. વિધવા બહેનોના સંતાનોને શૈક્ષણિક સહાય માટે શેઠશ્રી પી. જી. પટેલ શૈક્ષણિક સંકુલમાં ધોરણ ૧ થી કોલેજ સુધી રાહત દરે ફી લઇને અભ્યાસ કરાવવામાં આવે છે. પાછલા બે વર્ષોથી વિધવા બહેનોના સંતાનોના લગ્ન કરાવી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ કાર્ય અંતર્ગત આગામી ૨૪-૨-૨૦૧૯ના રવિવારે શ્રી સાંઇ મંદિર, રણછોડ નગર, મોરબી ખાતે તૃતિય સમૂહ લગ્નનું આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે. આ શુભ પ્રસંગે ૨૨ દિકરીઓ પ્રભુતામાં પગલા માંડશે. ગંગા સ્વરૂપ (વિધવા) સહાય સમિતીના કાર્યો મોરબી શહેર પુરતા સીમિત ન રહેતા સૌરાષ્ટ્ર અને કચ્છના લાયન્સ કલબ ઇન્ટરનેશનલના ડ્રીસ્ટીક ગવર્નર ચંદ્રકાંતભાઇ દફતરીના સઘન પ્રયત્નોથી સૌરાષ્ટ્ર અને કચ્છની ૪૮ લાયન્સ કલબો દ્વારા ઉપરોક્ત તમામ કાર્યોને વેગવંતું બનાવવામા આવી રહ્યું છે. હજારોની સંખ્યામાં વિધવા બહેનોને સૌરાષ્ટ્ર અને કચ્છના લાયન્સ મેમ્બરો આ કાર્યમાં મદદરૂપ થઇ રહ્યા છે. આ તકે મોરબી શહેરની સેવાભાવી જનતાને અપીલ કરવામાં આવી છે કે ૨૪ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ યોજાનારા સમૂહ લગ્નમાં ૨૨ દીકરીઓને પ્રભુતામાં પગલા પડાવવા માટે તન મન અને ધનથી આશીર્વાદ વરસાવે. આ શુભ કાર્યમાં સહભાગી થવા ચંદ્રકાંતભાઇ દફતરી મો.નં. ૯૮૨૫૨ ૨૩૧૯૯, દેવકરણભાઇ આદ્રોજા મો.નં. ૯૪૨૬૨ ૪૭૨૮૨ , વિરેન્દ્ર પાટડિયા મો.નં. ૯૮૨૫૧ ૬૨૨૨૫, રમેશભાઇ રૂપાલા મો.નં. ૯૯૨૫૪ ૧૦૫૫૫ તેમજ જનકભાઇ હિરાણીનો મો.નં. ૯૮૯૮૦ ૨૪૬૫૩ પર સંપર્ક સાધવા અપીલ કરાઈ છે.