ડેમી - ૧,૨ અને ૩ ડેમોને સૌની યોજનાં હેઠળ ભરવા ૨૦ ગામના ખેડૂતોએ સરકારને સદબુદ્ધિ માટે હવન કર્યો મોરબી : મોરબી જિલ્લામા ડેમી - ૧, ૨ અને ૩ જળાશય હેઠળ આવતા ૨૦ ગામોના ખેડૂતો દ્વારા તમામ ડેમી જળાશયોમાં સૌની યોજનાના પાણી ઠાલવવા ગઈકાલે ધરણા પ્રદર્શન કરી શરૂ કરાયેલ આંદોલનમાં આજે ખેડૂતો દ્વારા સરકારને સદબુદ્ધિ માટે શાંતિ યજ્ઞનું આયોજન કરી સરકાર વિરુદ્ધ માર્મિક ટિપ્પણીઓ કરી આહુતિ આપવામાં આવી હતી. મોરબી જિલ્લામાં ઓણ સાલ અપૂરતા વરસાદને કારણે ખેડૂતોની હાલત કફોડી બની જતા ડેમી ૧,૨ અને ૩ યોજના હેઠળ આવતા ખાનપર, નેસડા, આમરણ, ડાયમંડનગર સહિતના જુદા - જુદા ૨૦ ગામના ખેડૂતો દ્વારા છેલ્લા ૧૫ દિવસથી તમામ ડેમી ડેમોને સૌની યોજના હેઠળ નર્મદાના પાણીથી ભરવા આવેદનપત્ર પાઠવી લેખિત મૌખિક માંગ ઉઠવાઈ છે. જો કે વારંવારની રજુઆત છતાં સરકાર દ્વારા ૨૦ ગામના ખેડૂતોની માંગ પ્રત્યે ધ્યાન આપવામાં ન આવતા અંતે ગઈકાલથી આપો ડેમી - ૩ જળાશય નજીક છાવણી નાખી ધરણા પ્રદર્શન શરૂ કરી જ્યાં સુધી સરકાર ડેમી યોજનામાં પાણી નહિ ઠાલવે ત્યાં સુધી રોજે રોજ આશ્ચર્યજનક કાર્યક્રમ આપી વિરોધ કરવા જાહેર કર્યું હતું. આ અંગે ગુજરાત કિશાન સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.કે.પટેલએ જણાવ્યું હતું કે આજે ડેમી યોજના હેઠળના ૨૦ ગામના ખેડૂતો દ્વારા સરકારને સદબુદ્ધિ માટે હવન કરવામાં આવ્યો હતો, જેમાં સરકારને સદબુદ્ધિ આપો... સ્વાહા, ખેડૂતોને કર્જ મુક્ત કરો....સ્વાહા, પાણી આપો નહિ તો ૨૦૧૯ માં ઘરભેગા થશો, સ્વાહા, પશુધન બચાવવા પાણી આપો...સ્વાહા, સરકાર ખોટા વચન આપવાનું બંધ કરે...સ્વાહા જેવા માર્મિક ઉચ્ચારણ કરી હવનમાં આહુતિઓ આપવામાં આવી હતી. https://youtu.be/IV0rLuxWDUw