મોરબી: મોરબીના ઉદ્યોગપતિની કાર પાસે બ્લાસ્ટ કરીને રૂ.૧ કરોડની ખંડણી માગવાના પ્રકરણમાં પોલીસ આરોપીની હજુ સુધી ઓળખ મેળવી શકી નથી. આ કેસને સોલ્વ કરવા માટે એસઓજી અને એલસીબી સહિતની પોલીસની ટિમો હાલ ઊંધા માથે થઈ છે. મોરબીના ઉદ્યોગપતિ પ્રવીણભાઈ વલ્લભભાઈ બારૈયા ગત તા.૨૦ના રોજ પોતાની કાર પર વાંકાનેરના સરતાનપર રોડ ઉપર પસાર થઈ રહ્યા હતા તે સમયે તેમની કાર નજીક બ્લાસ્ટ કરીને ખંડણીખોરે તેમને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી અને રૂ.એક કરોડની ખંડણી માંગી હતી આ બનાવ સંદર્ભે ફરિયાદ નોંધાયા બાદ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું એસપી જયપાલસિંહ રાઠોડના સીધા માર્ગદર્શન હેઠળ એલસીબી અને એસઓજી સહિતની પોલીસની ટીમોએ ખાનગી રાહે તપાસનો દોર શરૂ કર્યો હતો. સુત્રોના જણાવ્યા મુજબ ખંડણીખોરે ઉદ્યોગપતિને ત્રણ વખત ફોન કર્યો હતો.ત્યાર બાદ ખંડણીખોરે ફોન સ્વીચઓફ કરી નાખ્યો હતો. પોલીસ સુધી મામલો પહોંચી ગયો હોવાથી બનાવ બાદ એકેય વખત ખંડનીખોરનો ફોન આવ્યો નથી. જેથી પોલીસ માટે આ કેસ પડકારજનક બની રહ્યો છે. સ્થાનિક શખ્સની સંડોવણી હોવાની દિશામાં પણ પોલીસ તપાસ ચલાવી રહી છે. આ ઉપરાંત જુદી જુદી થિયરી ઉપર પણ ખાનગી રાહે ગહન તપાસ થઈ રહી છે.