ગણતરીની કલાકોમાં જ એલસીબીએ કેસ ઉકેલ્યો : ચારેય આરોપીઓને નવો ધંધો શરૂ કરવા માટે પૈસાની જરૂર હતી, માટે ખંડણી માંગી મોરબી : સીરામીક ટાઇલ્સ એક્સપોર્ટ કરતા મોરબીના વેપારી પાસેથી અભયસિંહની ઓળખ આપી ફોન પર ખંડણી માંગવાના બનાવમાં એલસીબીએ ગણતરીની કલાકોમાં જ ૪ આરોપીઓને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ ટાઇલ્સ એક્સપોર્ટ કરતા મોરબીના વેપારી અમર જયંતીભાઈ મકાસણાને વાંકાનેરના ડોન અભયસિંહ બાપુની ઓળખ આપી ફોન પર રૂ.૫ લાખની ખંડણી માંગવામાં આવી હતી. બનાવ સંદર્ભે અમરભાઈએ મોરબી તાલુકા પોલિસ મથકે ફરિયાદ નોંધાવી હતી. બનાવની ગંભીરતા ધ્યાને લઈને પોલીસે તુરંત જ તપાસ શરૂ કરી દીધી હતી. પોલીસે ટેક્નિકલ માધ્યમ અને ખાનગી બાતમીદારોની મદદથી ખંડણી પ્રકરણના આરોપી હાર્દિક ધીરુભાઈ પટેલ રહે. ચિત્રકૂટ સોસાયટી, શેરી નં.૫-મોરબી, હિતેશ ઉર્ફે ગબ્બર ઉમેશભાઈ જાંબુકીયા રહે સેંથળી તા.બોટાદ, જયરાજ ભીખુભાઇ ખાચર રહે. સેંથળી તા.બોટાદ અને રોહિત ઉર્ફે તોતી દલસુખભાઈ રહે.લાલપર તા.મોરબી વાળાને ઝડપી પાડ્યા છે. આ ચારેય આરોપીઓને તેમના મિત્ર કરણ ભરવાડ રહે. સમઢીયાળા તા.બોટાદ વાળા સાથે ભાગીદારીમાં ધંધો શરૂ કરવો હતો. જે માટે તેમને નાણાની જરૂરિયાત હોય, એટલા માટે ખંડણી માગી હતી. ઉપરાંત ચારેય આરોપીએ કબુલાત આપી હતી કે તેઓએ આ અગાઉ બોટાદના હરદીપભાઈ પટેલને પણ ફોન પર ધમકી આપી ખંડણી માંગી હતી. પોલીસે આરોપીઓની સ્કોડા , એક્ટિવા અને મોબાઈલ ફોન જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.