હોસ્પિટલોમાં ટેસ્ટ કીટ નથી અને ભાજપના કાર્યાલયે હોય છે ! હવે મોરબીની પરિસ્થિતિ મામલે કોંગ્રેસના કાંતિલાલે હૈયા વરાળ ઠાલવી મોરબી : મોરબી જિલ્લાને કોરાનાએ ચોતરફથી ઘેરો ઘાલ્યો છે અને કોરોનાના દર્દીઓને સારવાર માટે ક્યાંય જગ્યા નથી મળી રહી, લોકો ફફડી રહ્યા છે, રડી રહ્યા છે,કાલાવાલા કરી રહ્યા છે છતાં સ્થાનિક તંત્ર નીંભર બન્યું હોવાનો આરોપ લગાવી કોંગ્રેસ અગ્રણી અને સામાજિક કાર્યકર કાંતિલાલ બાવરવાએ હૈયા વરાળ ઠાલવી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સામે વેધક સવાલો ઉઠાવી સાહેબ હવે નિષ્ઠુર ન બનો તેવું વેદના ભેર જણાવ્યું છે. મોરબીમાં કોરોનાની સ્થિતિ આભ ફાટ્યું હોય તેવી હોવા છતાં સતાવાર રીતે કોંગ્રેસની રજુઆત કે નિવેદન નથી આવ્યું ત્યારે આજે મોરબી કોંગ્રેસ અગ્રણી અને સમાજ સેવક કાંતિલાલ બાવરવાએ મુખ્યમંત્રી સમક્ષ વેધક સવાલો ઉઠાવી પ્રવર્તમાન સ્થિતિમાંથી મોરબીને ઉગારવા આજીજી કરી છે. કાંતિલાલ બાવરવાએ કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબ માફ કરશો પરંતુ હાલની કોરોનાની પરિસ્થિતિ જોયને મારુ હૃદય દ્રવી ઉઠે છે. હોસ્પિટલોમાં ટેસ્ટ કીટ નથી અને ભાજપના કાર્યાલયે હોય છે ! વધુમાં હોસ્પિટલોમાં રેમડીસીવીર ઈન્જેકશન નથી ને ભાજપના પાટીલ ભાઉ પાસે છે. ડોક્ટરો થાકી ગયા છે. તંત્ર માનવતા ભુલ્યું છે. સ્મશાનમાં ભ્રષ્ટાચાર થવા લાગ્યો છે. દવા અને ઇન્જેકસનોના કાળા બજાર થાય છે. કોઈ હોસ્પિટલમાં જગ્યા નથી લોકો હેરાન પરેશાન છે. આમ છતાં સરકાર જાણે કે સંવેદનહીન થઇ ગઇ હોય એવું લાગી રહ્યું છે. લોકોનો શુ વાંક કે તમો ને સતા આપીને સરકારમાં બેસાડયા, ચારે બાજુ અવ્યવસ્થા અને આરાજકતા વ્યાપેલા છે. તેમ છતાં તમારા કોઈનું જાણે કે પેટનું પાણી પણ હલતું જણાતું નથી. સાહેબ આવા નિષ્ઠુર ન બનો તેવું લોકો કહી રહ્યા છે, લોકો રડે છે, કાલાવાલા કરે છે, પરંતુ તેઓને સારવાર મળતી નથી.આવું ક્યાં સુધી ચાલશે ? જો આપના હૃદયમા રામ વસતો હોય તો જલ્દી આ પરિસ્થિતિ ખાળવા વ્યવસ્થા કરો લોકોને મારતા બચાવો અરે સ્મશાનમાં તો ભ્રષ્ટાચાર બંધ કરાવો. સરકાર સાવ નિષ્ઠુર થઇ ગયી છે. તેવું લોકો બોલી રહ્યા છે જાગો સાહેબ જાગો અંતમાં કાંતિલાલ બાવરવાએ જણાવ્યું છે કે, ખુબજ વ્યથિત હૃદયે આ લખી રહયો છું. કોઈ શરત ચૂક કે મર્યાદા લોપ કે અજુગતું લખાયુ ગયું હોય તો માફી માંગુ છું.બપણ જાગો હવે તો જાગો પ્રચાર બંધ કરીને લોકોની સેવાના કર્યો કરો તેવી અંતમાં વિનંતી કરી છે.