મોરબી: કંડલા બાયપાસ રોડ પર માર્ગ સલામતી સામે ગંભીર સવાલો ઊભા થયા છે, જ્યાં છેલ્લાં બે વર્ષથી સ્ટ્રીટ લાઇટના પોલ નાખી દેવામાં આવ્યા છે, પરંતુ તેને આજ સુધી ચાલુ ન કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ખાસ કરીને દલવાડી સર્કલ જેવા વ્યસ્ત વિસ્તારોમાં અંધારાને કારણે ટુ-વ્હીલર અને નાના વાહનો ભારે વાહનો સાથે અથડાઈને અકસ્માતનો ભોગ બની રહ્યા છે. આજે પણ આ રોડ પર અકસ્માતની ઘટના બની હોવાના અહેવાલ છે. ત્યારે નાગરિકોમાં રોષ છે કે કરોડોના ખર્ચે લાઇટની સુવિધા ઊભી કરવા છતાં, તંત્ર તેને ચાલુ કરવા માટે કયા શુભ મુહૂર્તની રાહ જોઈ રહ્યું છે, તે સમજાતું નથી. રોડ સેફ્ટી માટે અત્યંત જરૂરી એવી લાઇટો તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે, જેથી નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂકાય નહીં.