એક જ પૂર્વજોના વંશજો એવા કડવા પટેલ અને મોમીન પટેલ સાથે મળીને બંને સમાજ સાથે મળી શિક્ષણ, આરોગ્ય અને ખેતી વિષયક અને સમાજલક્ષી કાર્યક્રમો યોજવાનો નીર્ધાર મોરબી : મોરબીના તાલુકા ભરતનગર ગામે કડવા પાટીદાર સમાજ દ્રારા મોમીન પટેલ સમાજ સાથે વિચાર ગોષ્ઠી પ્રતિનિધિ સંમેલનનું આયોજન કરાયું હતું. જેમાં બન્ને સમાજના અગ્રણીઓએ સાથે મળીને સમાજલક્ષી કાર્યો તેમજ શિક્ષણ , આરોગ્ય અને ખેતીને લગતા કાર્યક્રમો યોજવાનો નીર્ધાર કર્યો હતો. ઉપરાંત બન્ને સમાજ વચ્ચે આત્મીયતા વધારવા આ પ્રકારે સ્નેહ મિલન જેવા કાર્યક્રમો સમયાંતરે યોજવાનું નક્કી કરાયું હતું. મોરબી પંથકના કડવા પટેલ અગ્રણીઓ દ્વારા ભરતવન ફાર્મ, ભરતનગર ગામ તા.મોરબી ખાતે યોજાયેલા વિચાર ગોષ્ઠી પ્રતિનિધિ સંમેલનમાં મોમીન પટેલ સમાજના અંદાજે ૩૦૦ જેટલા અગ્રણીઓ સહીત બંને સમાજના અંદાજે 600 આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સંમેલનનું દીપ પ્રાગટય અજંતા ઓરેવા ગ્રુપના પ્રવીણભાઈ ભાલોડિયા દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પ્રવીણભાઈએ બન્ને સમાજના અગ્રણીઓને સંબોધિત કર્યા હતા. આ સંમેલનમાં મોરબી સીરામીક એસો.ના પ્રમુખ નિલેશ જેતપરીયા પણ સંબોધિત કર્યા હતા. બાદમાં બન્ને સમાજના પાંચ પાંચ વક્તાઓએ ઉદબોધન કર્યું હતું. કડવા પટેલ અને મોમીન પટેલ સમાજના સંમેલનમાં બન્ને સમાજના લોકોએ હરખભેર ભાગ લીધો હતો. બન્ને સમાજના અગ્રણીઓએ આગામી દિવસોમાં સાથે મળીને શિક્ષણ, ખેતી અને આરોગ્ય વિષયક કાર્યક્રમો યોજવાનો નીર્ધાર કર્યો હતો. આ ઉપરાંત બન્ને સમાજ વચ્ચે ભાઈચારો જળવાઈ રહે તે માટે આ પ્રકારના સ્નેહ મિલન જેવા કાર્યક્રમો યોજવાનું પણ નક્કી કર્યું હતું. હાલ આ સંમેલન માત્ર બન્ને સમાજના પ્રતિનિધિઓ માટે જ યોજાયું હતું. ત્યારે આગામી દિવસોમાં જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે તેમાં બંન્ને સમાજના નાનામાં નાના લોકોને પણ સાંકળવામાં આવશે. મોમીન પટેલ સમાજના અગ્રણીઓએ કડવા પટેલ સમાજના પુરુષાર્થ , પ્રતિભા અને પ્રામાણિકતા જેવા ગુણો અપનાવવાની હાકલ કરી હતી. મોમીન પટેલ અગ્રણીના જણાવ્યા મુજબ કડવા પટેલ સમાજ મુખ્યત્વે ખેતી અને ઉદ્યોગ સાથે જોડાયેલો સધ્ધર સમાજ છે. ત્યારે તેમના માંથી પ્રેરણા લઈને મોમીન પટેલ સમાજ પણ આગળ વધવાના પ્રયત્ન કરે તે ઇચ્છનીય છે. મોરબી તાલુકામા વસતા કડવા પટેલ અને વાંકાનેર - ટંકારા તાલુકામાં વસતા મોમીન પટેલ આ બન્ને સમાજના આશરે ૩૦૦ થી ૪૦૦ વર્ષના ભૂતકાળ પર નજર કરવામાં આવે તો બન્ને સમાજ એકજ પૂર્વજોના વંશજો છે. બનેં સમાજમાં માત્ર ધાર્મિક ભિન્નતા આવી છે. બાકી વર્ણ, ગૌત્ર ,કુળ તથા રક્ત તો એક જ છે.ઉપરાંત બન્ને સમાજ ખેતી સાથે જ જોડાયેલો છે. બન્ને સમાજના વ્યક્તિઓમાં એક અતૂટ લાગણી તથા ભાવનાત્મક સંબંધ આજે પણ દ્રશ્યમાન થાય છે. ઉપરાંત બન્ને સમાજની જીવન પદ્ધતિનો અભ્યાસ કરતા આહાર , વિહાર, રહેણી-કરણી, દ્રષ્ટિકોણમાં સામ્યતા જોવા મળી છે. ત્યારે ૬ માસ પૂર્વે કડવા પટેલ સમાજના યુવા સમાજ સેવીઓએ પટેલ વિચાર ગોષ્ઠી પ્રતિનિધિ સભા નામના સંગઠનની સ્થાપના કરી હતી. આ સંગઠન દ્વારા કડવા પટેલ અને મોમીન પટેલ સમાજ વચ્ચે આત્મીયતા નો સંબંધ કેળવી ભાઈચારો વિકસાવવા માટે અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જેના ભાર રૂપે હાલ આજે પ્રથમ ચરણમાં મોમીન પટેલ સમાજ સાથે પ્રતિનિધિ સંમેલનનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બંને સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં બન્ને સમાજના વિચારો, વિશેષતાઓ, સમસ્યાઓ , સમાધાનો તથા સહકારનું આદાન પ્રદાન કરવામાં આવ્યું હતું.