મોરબી યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજમાં 37 વર્ષની લાંબી શૈક્ષણિક ફરજ દરમિયાન વિદ્યાર્થીઓમાં અનેરી લોકચાહના મોરબી : મોરબીના વિદ્યાર્થીઓના ગુજરાતી વિષયના ગમતીલા પ્રાધ્યાપક તરીકે નામના મેળવનાર મોરબીની યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજના પ્રાધ્યાપક નલીનકુમાર મુગટલાલ જોશી ૩૭ વર્ષની લાંબી શૈક્ષણિક ફરજ બજાવ્યા બાદ ૧૪ જૂન ૨૦૨૧ના રોજ સેવા નિવૃત થતા કોલેજ પરિવાર દ્વારા ભાવભેર વિદાયમાન અપાયું હતું. અધ્યાપક નલિનકુમાર જોશીએ પ્રથમ ૨૦ વર્ષ કોડીનાર કોલેજ ખાતે અધ્યાપન કાર્ય કરેલ. તે દરમિયાન કેશોદ ગુજરાતી અનુસ્નાતક કેન્દ્રમાં પણ દોઢ દાયકા સુધી અધ્યાપન કાર્ય કરેલ. છેલ્લા ૧૭ વર્ષથી તેઓ મોરબીની આર્ટ્સ કોલેજમાં અધ્યાપનકાર્ય કરતા હતા. તેમનો જન્મ મોરબીમાં જ થયેલ. તેમના પિતા સ્વ. મુગટલાલ જોશી ખ્યાતનામ ભજનિક તરીકે ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં આજે પણ નામના ધરાવે છે. જૂની પેઢી સામે ભજનની વાત આવે એટલે સ્વ. મુગટલાલ જોશીનું નામ અવશ્ય હોઠે આવે છે. પિતાજીની નોકરી આકાશવાણી રાજકોટ ખાતે હોવાથી બાળપણ બાદ તેમનો પરિવાર રાજકોટ ખાતે સ્થાયી થયો. પ્રાથમિકથી માંડીને માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ તેમણે રાજકોટ ખાતે લીધું. ખાસ કરીને રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ગુજરાતી અનુસ્નાતક ભવનમાં તેઓ ગુજરાતી વિષયના સમૃદ્ધ વિદ્યાર્થી બન્યા. વિભાગના તત્કાલીન અધ્યક્ષ અને ગુજરાતી વિષયના માંધાતા તેરૈયા સાહેબ પાસે તેઓ ઘડાયા અને સમૃદ્ધ વિદ્યાર્થીમાંથી સમૃદ્ધ અધ્યાપક પણ બન્યા. તેઓ કોડીનારની જે. એસ. પરમાર કોલેજ ખાતે ૧૯૮૪માં અધ્યાપક તરીકે જોડાયા અને તે દરમિયાન 'ગંગાસતીના ભજનો' વિષય લઈને તેમણે એમ.ફિલ. નું કાર્ય પૂર્ણ કરેલ. જેની નોંધ ગુજરાતી સાહિત્યમાં લેવાયેલ છે. તેઓએ કોડીનાર કોલેજ ખાતે, કેશોદ અનુસ્નાતક કેન્દ્ર ખાતે તથા મોરબીની કોલેજમાં ગુજરાતી વિષયના ગમતીલા અધ્યાપક તરીકે વિદ્યાર્થીઓમાં લોકચાહના મેળવેલ છે. તેઓ ઈતર પ્રવૃત્તિમાં પણ સતત સક્રિય રહેલ. વકૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, ગાયન અને નાટ્યક્ષેત્રે ખૂબ કામ કરેલ. તેઓએ કોડીનાર તથા મોરબીની કોલેજના વિવિધ કાર્યક્રમોમા સતત વૈવિધ્યસભર સફળ સંચાલન કરેલ. અહેવાલ લેખનમાં પણ તેમની કુશળતા આકર્ષક રહી છે. તેમનો પરિચય વિદ્યાર્થીઓ તથા સ્ટાફ પરિવારમાં ઉદાર અને ભોળા હૃદયના માણસનો રહ્યો છે. તેઓ જાણીતા કે અજાણ્યા જરૂરિયાતમંદો તથા સ્વજાનો માટે નિયમિતપણે તેમના પગારમાંથી એક મોટો હિસ્સો અલગ કાઢી વાપરે છે. યુ. એન. મહેતા આર્ટસ કોલેજ ખાતે ૧૪ જૂનના પ્રા. નલિનકુમાર જોશીને કોલેજ પરિવાર તરફથી નિવૃત્તિ સન્માન અને ભાવિ જીવનની શુભકામનાઓ પાઠવવામાં આવેલ. નિવૃત્તિ બાદ તેમનું જીવન પરિવાર સાથે સદાકાળ સુખમય અને સમૃદ્ધ રહે તેવી અભ્યર્થના વ્યક્ત કરવા આવી છે.