અનેક વખત કારોબારી અને સામાન્ય સભાઓમાં ડાયરીનો મુદ્દો ગાજયા બાદ પણ ડાયરીને બનતા ત્રણ વર્ષ લાગ્યા મોરબી : રાજકોટમાંથી છુટા પડ્યા બાદ મોરબી જિલ્લા પંચાયતની એક વખત ડાયરી બની હતી. ત્યારબાદ ત્રણ વર્ષ સુધી સભાઓમાં ડાયરી બનાવવાનો મુદ્દો ગાજયો પરંતુ ડાયરી બની ન હતી. અંતે ત્રણ વર્ષ બાદ હવે ડાયરી બની છે. સામાન્ય રીતે જિલ્લા પંચાયતની માહિતીની ડાયરી દર વર્ષે બની જતી હોય છે. જો કે રાજકોટ જિલ્લા પંચાયતમાંથી અલગ બન્યા બાદ પ્રથમ વર્ષે મોરબી જિલ્લા પંચાયતની ડાયરી બની હતી. ત્યારબાદ હવે છેક ત્રણ વર્ષે મોરબી જિલ્લા પંચાયતની ડાયરી બનાવવાનો વારો આવ્યો છે. જોકે સમયાંતરે કારોબારી અને સામાન્ય સભામાં ડાયરીનો મુદ્દો ગુંજતો રહ્યો હતો. જિલ્લા પંચાયત દ્વારા અંદાજીત રૂ.૪.૫૦ લાખના ખર્ચે ૨૫૦૦ ડાયરી બનાવવામાં આવી છે. આ ડાયરીમાં પદાધિકારીઓ- અધિકારીઓના ફોન નંબર સહિતની માહિતીઓનો સમાવેશ કરાયો છે. ચર્ચાતી વિગતો મુજબ સંકલન અને ઢીલના કારણે ત્રણ વર્ષ સુધી ન બનનાર આ ડાયરી હવે જિલ્લા પંચાયતની અઢી વર્ષની ટર્મ પુરી થતા બનાવવામાં આવી છે.