બે લોકમેળા અને બે પ્રાઇવેટ મેળાનું આયોજન : યંગ ઇન્ડિયા ગ્રુપ આયોજિત ક્રિષ્ના ઉત્સવ મેળામાં વાઇફાઇ સહિતની સુવિધાઓ ઉપ્લબ્ધ કરાશે મોરબી : જન્માષ્ટમીના મેળાને લઈને મોરબી વાસીઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. મોરબીમાં ધોળેશ્વર સહિત ચાર જગ્યાએ જન્માષ્ટમીના મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેની તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે. ઉપરાંત યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ક્રિષ્ના ઉત્સવ મેળામાં ફ્રી વાઇફાઇ સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવનાર છે. જન્માષ્ટમી મહોત્સવ નજીક આવતા જ રંગીલા મોરબીવાસીઓ મેળો માણવા અધિરા બન્યા છે. ત્યારે મોરબીવાસીઓને મોજ કરાવવા જન્માષ્ટમીના મેળાનું ચાર સ્થળોએ આયોજન કરવામાં આવ્યું છે.જેમાં પાલીકા દ્વારા વીસીપરામાં આવેલ ધોળેશ્વર ખાતે અને મોરબીના લોકોના માનિતા એવા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા કંડલા બાયપાસ પર કામધેનુ પાર્ટી પ્લોટ પાસે જાહેર લોકમેળો ક્રિષ્ના ઉત્સવ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ બે જાહેર લોકમેળા ઉપરાંત શનાળા પાસે અને મહેન્દ્રનગર પાસે પ્રાઇવેટ મેળો યોજાનાર છે. આમ કુલ ચાર સ્થળોએ જન્માષ્ટમીના મેળા યોજાશે. જો કે નગરપાલિકા દ્વારા ધોળેશ્વર ખાતેના લોકમેળાની હરરાજી કરીને ખાનગી પેઢીને સોંપી દેવામાં આવ્યો છે. આ મેળો સાતમી દશમ સુધી ચાલશે. યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા કંડલા બાયપાસ પર કામધેનુ પાર્ટી પ્લોટ પાસે જાહેર લોકમેળો ક્રિષ્ના ઉત્સવ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે દેવેનભાઈ રબારીએ જણાવ્યું કે આ મેળો જાહેર લોકમેળો હોવાથી એન્ટ્રી ફ્રી છે.મેળામાં સુરક્ષાને પણ ધ્યાને રાખીને આયોજન કરવામાં આવ્યું છે. સાથે અલાયદી પાર્કીંગ વ્યવસ્થા તેમજ ફ્રી વાઇફાઇ સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. મેળો ટૂંક સમયમાં જ શરૂ થશે અને અમાસ સુધી ચાલશે. મેળામાં મટકી ફોડ, રાસ ગરબા અને દેશભક્તિની થીમ પર જુદા જુદા કાર્યક્રમો યોજાશે.