જાહેર નોટિસ આપવાને બહાને સાટાખાત બનાવી નાખ્યા : મોરબીના નોટરી અને બે વકીલો સહિત આઠ સામે ભારેખમ્મ કલમો મુજબ ગુન્હો દાખલ મોરબી : જમીન કૌભાંડ નગરી રાજકોટનો ચેપ જાણે મોરબી સુધી પ્રસર્યો હોય તેમ રાજકોટના જમીન કૌભાંડિયા તત્વોએ મોરબીના સતવારા પ્રૌઢની સયુંકત માલિકીની રૂપિયા ૫૦થી ૬૦ કરોડની જમીન હડપ કરવા ન્યૂઝ પેપરમાં જાહેર નોટિસ આપવાને બહાને સાટાખતા બનાવી લેતા આ મામલે મોરબીના જાણીતા નોટરી અને બે વકીલો સહિત આઠ સામે ભારેખમ્મ કલમો મુજબ ગુંન્હો નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. મોરબીના આ ચોંકાવનારા જમીન કૌભાંડની વિગતો જોઈએ તો મોરબીના માધાપર શેરી નંબર - ૧૦ માં રહેતા અને વાવડી રોડ ઉપર ગાયત્રીનગરમાં ખેતીની જમીન ધરાવતા મલાભાઈ અરજણભાઈ ઉર્ફે અજાભાઇ હડિયલ ઉ. ૬૨ ધંધો ખેતી, નામના વૃદ્ધ પોતાના સયુંકત કુટુંબના નામે ઉપરોક્ત જગ્યાએ જમીન ધરાવતા હોય એ જમીન વેચાણ કરવા મોરબીના શનાળા ગામે રહેતા જમીન દલાલ ધનાભાઈ સુરાભાઈ રબારીને વાત કરી હતી જે દરમિયાન આ જમીન દલાલે રાજકોટની પાર્ટીને જમીન લેવાની છે તેવું જણાવી ફરિયાદી મલાભાઈની ઑફિસે આવ્યા હતા જ્યા રાજકોટ મેટોડાના જગદીશભાઈ બી. વાઘરીયાને સાથે લાવી આ જમીન ખરીદવાનું જણાવી જમીન ટાઇટલ કિલિયર છે કે કેમ તે ચકાસવા જાહેર નોટિસ આપવી પડશે તેમ જણાવી બાદમાં તમારા નામમાં વાંધો આવે છે કહી જુના ડોક્યુમેન્ટ પણ મેળવી લીધા અને એક અખબારમાં જાહેર નોટિસ પણ છપાવી હતી. વધુમાં જમીન કૌભાંડિયા તત્વોએ એક એક લાખના ત્રણ કોરા ચેક અન્યના નામના આપી બાદમાં જાહેર નોટિસ આપવામાં જમીન માલિકની સહીઓનો ખોટો ઉપયોગ કરી આ કરોડોની કિંમતી જમીનના ખોટા આધાર પુરાવાના આધારે સાટાખત બનાવી મોરબીની કોર્ટમાં વર્ષો પહેલા આ જમીન ખરીદ કરી હોવાનું જણાવી દાવો પણ દાખલ કરી દીધો હતો. બીજી તરફ જમીન માલિક મલાભાઈ સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા તેઓએ કોર્ટમાં દાવો દાખલ કરવાની સાથે મોરબી પોલીસ સમક્ષ પોતાની કરોડો રૂપિયાની કિંમતી જમીન હડપ કરવા જમીન કૌભાંડીયા કારસો રચી ખોટા પુરાવા ઉભા કરવા અંગે ફરિયાદ કરતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસે આરોપી જગદીશ બી.વાઘરીયા, મોરબી શક્તિ પ્લોટ ૪ માં રહેતા જાણીતા નોટરી ડી.એમ.પારેખ, મોરબીના પુનિત નગર ઓમશાન્તિ સ્કૂલ પાછળ રહેતા વકીલ જી.એમ.બારોટ, શક્ત શનાળા ગામના જમીન દલાલ ધનાભાઈ સુરાભાઈ રબારી, અખબારમાં જાહેર નોટિસ પ્રસિદ્ધ કરાવનાર રાજકોટના વકીલ એમ.જે.વાઘેલા, રાજકોટ વાજડીવડ ગામના વિજયસિંહ પી.ડાભી, સાટાખાતમાં સાક્ષીમાં સહી કરનાર સુરેન્દ્રનગર જિલ્લાના પલસા ઉમરાળાનો વનરાજ જેસંગભાઈ સીતાપરા અને હરદીપ નામના શખસો વિરુદ્ધ ગુન્હો નોંધાવ્યો છે. આ ગંભીર પ્રકારની છેતરપિંડીમાં મોરબીના જાણીતા નોટરી અને વકીલ સામે પણ ગુન્હો દાખલ થયો છે ત્યારે પોલીસ પણ ગંભીર બની તપાસમાં કામે લાગી છે અને ભોગ બનનાર પરિવારના નામે ખોટા દસ્તાવેજી પુરાવા ઉભા થયા હોય વાવડી ગામની તેમજ આ જ માલિકોની ત્રણ અલગ અલગ જમીન કૌભાંડ મામલે આઇપીસી કલમ ૧૨૦ (બી), ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, અને ૪૭૧ મુજબ તમામ કૌભાંડકારો સામે ગુન્હો દાખલ કરી આરોપીઓને ઝડપી લેવા એ ડિવિઝન પીઆઇ આર.જે.ચૌધરી અને પીએસઆઇ એમ.વી.પટેલ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.