વાવાઝોડાંના અસરગ્રસ્તો માટે પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી બંને ટાઈમ ભોજન વ્યવસ્થા કરાશે મોરબી : વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતાં મોરબી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા હરહંમેશ કુદરતી આફત સમયે અવિરત સેવા અર્પણ કરવામાં આવે છે. ત્યારે પ્રવર્તમાન સમયે સમગ્ર ગુજરાત પર બિપરજોય વાવાઝોડાંનુ સંકટ વચ્ચે મોરબી જિલ્લાના નવલખી બંદરની આસપાસના વિસ્તારોમાં સ્થળાંતરિતો માટે બંને ટાઈમ ભોજન પ્રસાદની વ્યવસ્થા 4 દિવસથી કરવામાં આવી રહી છે. મોરબી જલારામ પ્રાર્થના મંદિરના અગ્રણીઓ ગીરીશભાઈ ઘેલાણી, દીપકભાઈ પોપટ, જયેશભાઈ કંસારા, હરીશભાઈ રાજા, નરેન્દ્રભાઈ રાચ્છ, નિર્મિતભાઈ કક્કડ, અનિલભાઈ સોમૈયા, પ્રવિણભાઈ કારીયા, સુનિલભાઈ પુજારા, સચિનભાઈ કાનાબાર, જયંતભાઈ રાઘુરા દ્વારા જણાવાયું હતું કે, મોરબી જિલ્લાના સ્થળાંતરિતો માટે ભોજન પ્રસાદની વ્યાવસ્થા ચાલુ જ છે. પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી બંને ટાઈમ અસરગ્રસ્તો માટે ભોજન પ્રસાદ યોજવામાં આવશે તેમ સંસ્થાના અગ્રણીઓએ અંતમાં જણાવ્યું હતું.