સબ જેલના ૩૦ કેદીઓએ દસ દિવસની કઠોર શિબિર સાધના સંપ્પન કરી મોરબી : વિપશ્યના ધ્યાન કેન્દ્ર રાજકોટ અને મોરબી સબ જેલના સયુંકત ઉપક્રમે દસ દિવસીય વિપશ્યના શિબિર યોજાઈ હતી, અતિ કઠોર કહી શકાય તેવી આ શિબિરમાં જોડાઈ સબજેલના કેદીઓનું માનસ પરિવર્તન થયું છે અને તેઓએ મનની શાંતિ મેળવી હતી. પળ વાર માટે મન ઉપર સંયમ ગુમાવી ગુન્હાહિત કૃત્યને અંજામ આપી જેલમાં સજા ભોગવતા કેદીઓ સજા પૂર્ણ કરી જેલની બહાર નીકળી સમાજના મુખ્ય પ્રવાહમાં જોડાઈ શકે તેવા ઉદ્દેશ્યથી મોરબી સબ જેલમાં છેલ્લા દસ દિવસથી વિપશ્યના ધ્યાન શિબિર યોજવામાં આવી હતી જે પૂર્ણ થઈ હતી. વિપશ્યના ધ્યાન કરાવનાર વિપશ્યના કેન્દ્રના ઉમેશ દેશપાંડે કહે છે કે આવેશમાં આવી ગુન્હો કર્યા બાદ જેલમાં સજા ભોગવતા કેદીઓ માટે યોજવામાં આવેલી શિબિરમાં પહેલા તો એવું લાગતું હતું કે કેદીઓ શિબિર પૂર્ણ નહિ કરી શકે પરંતુ તેઓની સાથે મૈત્રી પૂર્વકના વ્યવહાર અને સાધક તરીકે નો વ્યવહાર કરવામાં આવતા તેઓએ મન ખોલી અમારી સાથે વાતો કરી છે અને પશ્ચાતાપ પણ કર્યો છે અને આ શિબિરમાં ૩૦ કેદીઓએ સફળતા પૂર્વક દસ દિવસ સુધી મૌન સાધના કરી પોતાના મનોબળને મજબૂત કર્યું છે. શિબિરમાં ભાગ લેનાર કેદીઓમાં નરેન્દ્રસિંહ નાથુભા ઝાલા, ડાભી કિશોર, ઈરફાનમુના અલીસૈયદ, લીંબાણી વસંતભાઈ કેશુભાઈ સહિતનાઓએ શિબિર સફળતા પૂર્વક પૂર્ણ કરી હતી અને પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે પહેલા તો અમે આ શિબિર કરી શકશું કે કેમ તેવો મનમાં સંશય હતો. કારણ કે સતત દસ દિવસ સુધી મૌન રહેવાનું અને સતત એક જ સ્થાને બેસી રહેવું અઘરું છે પરંતુ સફળતા પૂર્વક સાધના કરી અમે અમારા મન પર કાબુ મેળવ્યો છે અને મનોબળ દ્રઢ બન્યું છે. વિપશ્યના શિબિર અંગે મોરબી સબજેલના જેલર પી.કે.ગઢવીએ જણાવ્યું હતું કે જેલ સુધારણા અંતર્ગત વડી કચેરીની મંજૂરીથી કેદીઓ માટે યોજવામાં આવેલી શિબિરમાં ૩૦ કેદીઓ જોડાયા હતા અને પોતાના આવેગ પર કાબુ નહિ રાખી શકવાની સજા ભોગવતા કેદીઓ સજા પૂર્ણ કર્યા બાદ તેમના જીવનમાં સમાજ સાથે પુનઃ શાંતિ પૂર્વક જીવન જીવી શકે તેવા ઉદ્દેશ્યથી આ શિબિરમાં જોડાયા હતા અને તમામ કેદીઓને આ ધ્યાન શિબિરથી ફાયદો મળ્યો હોવાનુ તેઓએ ઉમેંર્યું હતું. વિપશ્યના શિબિર કરી મનની શાંતિ અનુભવતા કેદીઓ, જુઓ વિશેષ અહેવાલ https://www.youtube.com/watch?v=9by1_ipPQqU