ફરિયાદી દ્વારા પોલીસની રજવાડી સુવિધા મામલે સવાલો ઉઠવાયા : કેદીપાર્ટીના તપેલા ચડે તેવા સંકેત મોરબી : ધ્રોલ હાઇવે ઉપર ધોળે દહાડે શાર્પશૂટરની મદદથી ક્ષત્રિય યુવાનની હત્યાના ચકચારી બનાવમાં મોરબી જેલમાં બંધ હત્યાકેસના મુખ્ય સૂત્રધારને જામનગર કોર્ટમાં મુદતે લઇ જવા માટે આરોપીની મોંઘીદાટ ફોર્ચ્યુનર કારનો કેદીપાર્ટીએ ઉપયોગ કરતા આ અંગેનો વિડીયો વાયરલ થયો છે અને હત્યાનો ભોગ બનેલા યુવાનના પરિવારજનો દ્વારા પોલીસ વિરુદ્ધ આક્ષેપો કરાતા સનસનાટી મચી જવા પામી છે. આ ગંભીર બનાવ મામલે કેદીપાર્ટીના તપેલા ચડી જાય તેવા પણ સંકેતો મળી રહ્યા છે. જાણવા મળતી વિગતો મુજબ જામનગર જિલ્લાના ધ્રોલ ખાતે હાઇવે ઉપર દિનદહાડે દિવ્યરાજસિંહ જદુવીરસિંહ જાડેજાની શાર્પ શૂટરની મદદથી ગોળીબાર કરી હત્યા કરવાના ગુન્હામાં મુખ્ય આરોપી ઓમદેવસિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવી હતી અને હાલમાં ઓમદેવસિંહ જાડેજા મોરબી જેલમાં છે. બીજી તરફ હત્યાકેસના મુખ્ય આરોપી ઓમદેવસિંહની ગઈકાલે જામનગર સેસન્સ કોર્ટમાં મુદત હોય મોરબી પોલીસની કેદીપાર્ટી આરોપીને લકઝરી સુવિધા પૂરી પાડવા આરોપીની ફોર્ચ્યુનર કારમાં જામનગર કોર્ટમાં લાવતા હત્યાના ભોગ બનેલા યુવાનના પરિજનોએ આરોપીની પોલીસ સાથે સાઠ ગાંઠ અંગે આક્ષેપો કર્યા હતા. ઉપરાંત મોરબી પોલીસ અને આરોપી ફોર્ચ્યુનર કારમાં આવતા હોવાના અને ઉતરતા હોવાના વિડીયો પણ વાઇરલ થયા છે. દરમિયાન મોરબી જેલમાં બંધ ધ્રોલ મર્ડર કેસના આરોપીને લક્ઝુરિયસ ગાડીમાં લઈ જવાની સવલત આપવા મામલે મોરબી જેલ સતાવાળાઓનો સંપર્ક કરતા ગઈકાલે તા.26ના રોજ સવારે 9.15 કલાકે આરોપીને જામનગર કોર્ટમાં લઈ જવા મોરબી પોલીસની કેદીપાર્ટી આવી હોવાનું અને સાંજે 5.40 કલાકે આરોપીને જેલમાં પરત લાવવામાં આવ્યો હોવાનું સતાવાર સૂત્રોએ જણાવી સામાન્ય સંજોગોમાં એકાદ બે કેદી માટે બસમાં અને વધુ કેદીઓ હોય તો સરકારી વાહન મોકલવામાં આવતું હોવાનું જણાવ્યું હતું. જો કે, મોરબી જેલમાંથી હત્યાકેસના આરોપીને પોતાની મોંઘીદાટ ફોર્ચ્યુનર કારમાં લઈ જવાની સુવિધા આપનાર કેદીપાર્ટી વિરુદ્ધ પગલાં કે ફરિયાદ અંગે જિલ્લા પોલીસવડાનો સંપર્ક સાધવા પ્રયાસ કરતા તેઓ મિટિંગમાં હોય સતાવાર જવાબ મળ્યો ન હતો પરંતુ આ ગંભીર બનાવ મામલે ઉચ્ચકક્ષાએ પડઘા પડ્યા હોવાનું અને જવાબદાર કેદીપાર્ટી વિરુદ્ધ પગલાં તોળાઈ રહ્યા હોવાના સંકેતો સાંપડી રહ્યા છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..