લાગણી -ભાવના રજૂ કરવા રજૂ કરવા જે માધ્યમ કામ લાગે એ જ ભાષા : અજિતભાઇ કાલરીયા મોરબી : આજે વિશ્વ માતૃભાષા દિવસ છે, આજના એક દિવસ માટે લોકો પોતાના સ્ટેટ્સ કે પ્રોફાઈલ ઇમેજમાં ભાષા પ્રેમ રજૂ કરી કૈક કર્યાનો આનંદ માણતા હોય છે પરંતુ મોરબીને કર્મભૂમિ બનાવનાર વાંચનપ્રેમી બિઝનેસમેન અજિતભાઇ કાલરીયાએ ઘરમાં 1500 પુસ્તકોનો ખજાનો વસાવી કાયમી માતૃભાષા દિવસ ઉજવી રહ્યા છે. ગુજરાતી સિદ્ધહસ્ત લેખક ગુણવંત શાહ નામાંકિત કવિ અનિલ જોશી જેવું મિત્રવૃંદ ધરાવતા મૂળ વડોદરાના વતની અને હાલ મોરબીને કર્મભૂમિ બનાવનાર અજિતભાઈ કાલરીયાએ આજના દિવસને અનુરૂપ વાત લખી છે. જે શબ્દશઃ જોઈ તો, અજિત ભાઈ કહે છે કે, મોટા ભાગના ભાષા શાસ્ત્રીઓ માને છે કે આશરે 50000 વર્ષ પહેલા જીભ ના માધ્યમથી માણસ જાતે બોલવાની શરૂઆત કરી હતી અને એ જ ભાષાનો ઉદ્ભવ. વર્ષો પહેલા કોઈ માનવે પોતાના મનની વાતને વ્યક્ત કરવા માટે જ્યારે અવાજનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું ત્યારે જ ભાષાનો ઉદ્ભવ થયો એવું માનવું રહ્યું. સમય વહેતો રહ્યો- પ્રદેશ બદલાતા રહ્યા અને આ અવાજ એના પ્રદેશ કે સ્થળ મુજબ અલગ અલગ ભાષામાં રૂપાંતરિત થતો રહ્યો. જયારે કોઈક જગ્યાએ લાગણી, ભાવના, શક્યતા કે વિચાર વ્યક્ત થતા હોય છે ત્યારે ત્યાં હંમેશા ભાષાનું વિજ્ઞાન રજૂ થતું હોય છે. કલ્પનાને વાચા ફૂટે અને જે સર્જન થાય એ ભાષા ! ભાષા એટલે માણસજાતનું એવું સર્જન કે જ્યાં માનવ મનમાં આકાર પામેલી આકૃતિઓ કે વિચારો શબ્દના રૂપે સાર્થક થતાં હોય છે. કોઈ જાણકારી ને અર્થસભર રીતે રજુ કરવા જે માધ્યમનો ઉપયોગ થાય એ જ ભાષા ! જ્યારે કોઈની ઈચ્છાને, કોઇકના શોખને, કોઈકની લાગણીને કે કોઈકની ભાવનાને રજૂ કરવા જે માધ્યમ કામ લાગે એ જ ભાષા. ભાષા જ સંપર્કનો ખરો સેતુ છે, તો ઉચ્ચારણ માટેનું માધ્યમ છે. તો ભાષા જ માણસ જાતનું સૌથી ઉચ્ચકોટિનું સર્જન છે. કોઈક સાથેના સંપર્ક માટેનું જો કોઈ મહતવપૂર્ણ માધ્યમ હોય તો એ ભાષા છે. ભાષાએ સંપર્ક માટેનું માત્ર માધ્યમ જ નથી પણ વિચારોને રજૂ કરી નવી આર્થિક વ્યવસ્થા કે સાંસ્કૃતિક સંબંધો બનાવવા તરફની એક પહેલનું પણ મહત્વનું પગથિયું છે. વિચારોની અભિવ્યક્તિ એ ભાષા છે. તો સામાની સમજણનો સેતુ અને અનુસંધાનનો દોર એ ભાષા છે. સંસ્કૃતિના અસ્તિત્વની ખરી ઓળખ ભાષા છે. તો વિચારોના પડઘમની ખરી સમૃદ્ધિ ભાષા છે. ભાષાનું સંપાદન ક્યાંક નવજાત બાળકના રડવાથી કે એના અસંતોષથી થતું હોય છે તો ક્યાંક વૃદ્ધના બોખા સ્મિતમાં ભાષાનો ઘંટારવ પડઘાતો હોય છે. Oliver Wendell Holmes એ ખૂબ જ સરસ વાત કરી છે કે “Language is the blood of the soul into which thoughts run and out of which they grow.” તો વળી 1964 માં બર્નરે ખૂબ સરસ શબ્દોમાં કહ્યું કે Language is a cultural technique upon which the phylogenetic and ontogenetic development of human intelligence depends. ભાષાનો પ્રભાવ એવો હોય છે કે એ સતત પ્રતિક્ષણ નવા શબ્દોનો ઓચ્છવ પામતી જ રહેતી હોય છે. અને તે ભાષાના સાહિત્યને બળવાન બનાવતુ જ હોય છે. આજકાલ તો કોઈક બીજી ભાષાનો નવો શબ્દ જાણી એને પોતાની ભાષામાં ઢાળીને કે સેટ કરીને બોલવાનો એક નવો ટ્રેન્ડ ચાલ્યો છે, જે ક્યાંક મજાનો પણ લાગે છે. ભાષામાં બદલાવ આવે છે ક્યાથી ? તો જવાબ છે ઇન્ટરનેટ જેવા માધ્યમો થકી કે પછી જુદી ભાષાના લોકોના સપર્ક થકી ! એક સમયે તો ઓશોએ હિંદી ને રાષ્ટ્રભાષા ન બનાવવા માટે પણ કહ્યું હતું અને એના કારણ સ્વરૂપે જણાવ્યુ હતું કે ભાષાની આટલી મજાની વિવિધતા ધરાવતી ધરતીમાં એવું ન કરવામાં આવે તો આ બધી ભાષાઓના સમનવ્યમાંથી જ કોઈ એક નવી જ ભાષા ઉદભવશે જેનું આયુષ્ય ખૂબ જ લાંબુ હશે.... ભાષા હમેશા બદલાતી રહે છે અથવા રૂપાંતરણ પામતી રહે છે. કોઈ એક સમુહ કે એક જ સમૂહના જુદા પ્રદેશમાં પણ કોઈ એક ભાષા બદલાતી હોય છે. પેઢી દર પેઢી ઉચ્ચારોમાં ક્યાંક ને ક્યાક બદલાવ આવે જ છે. ક્યાંકથી કોઈક ભાષામાથી ઉછીના શબ્દો લેવાય છે તો ક્યાંક નવા શબ્દો શોધાય પણ છે. જૂના શબ્દોના બંધારણમાં કે એના વલણમાં ક્યાંક ફેરફાર થાય છે તો ક્યાંક નવું જ નામ કે નવો શબ્દ એનું સ્થાન લેતો હોય છે. ક્યાંક કોઈક ભાષામાં આ પ્રક્રિયા ફાસ્ટ હોય છે તો ક્યાક ધીમી ! પણ ભાષાનું રૂપાંતરણ એ ચોક્કસ અને પ્રતિક્ષણ આકાર પામતી ઘટના છે એ સ્વીકારવું રહ્યું. અને છતાં દરેક ભાષાને પોતાનો એક અલગ ભૂતકાળ હોય છે અને એ જ રીતે દરેક ભાષાને પોતીકો વર્તમાન પણ હોય છે. દરેક ભાષાને શબ્દોની સંગત ને સંસ્કૃતિની રંગત હોય છે સહજ અને સરળ એક્સપ્રેસન હોય છે. દરેક ભાષામાં એક લહેકો હોય છે ને ટહુકો હોય છે. ને પોતીકી સંગત હોય છે. ક્યાંક મંત્રોની ગુંજ હોય છે ને ક્યાંક ભજનની છોળો હોય છે. જ્યારે ઓછા શબ્દોમાં ઘણું વ્યક્ત થતું હોય છે ત્યારે ત્યાં શબ્દોનું ગણિત હોય છે એમાં પણ ભાષાનું જ પ્રભુત્વ ! જયારે ચિત્રો માં કંઈક રજુ થાય છે ત્યારે કોઈકનું મૌન બોલતું હોય છે એને પણ ભાષાનો જ વૈભવ ગણવો રહ્યો. ક્યારેક કોઇકનું ડૂસકું અને હાસ્ય પણ કઈક કહી જાય તો એને પણ ભાષાનો કેકારવ જ ગણી શકાય. ક્યાંક સંગીતના લયની ભાષા એ જીવંતતાનો ખ્યાલ છે તો પાણીના તરંગની પણ એક ભાષા છે.. ખળખળ વહેતુ જળ એ જાણે નદીની ભાષા છે. આ બધાની વચ્ચે જ્યારે કોઈ ફૂલની સુંદરતા અને થોરના કાંટા માનવ મનને વિચારોના વમળમાં લઇ જાય ને ત્યારે એની વ્યક્તતામાં ક્યાંક ભાષાનો ઉદ્ભવ થતો હશે એમ માનવું રહ્યું. વિચારોની પણ એક ભાષા છે, ને સપનાઓની પણ કોઈક ચોક્કસ પોતીકી ભાષા છે. આમ જોવા જઈએ તો આખું જીવન એક અલગ જ પરિભાષા છે. જોકરની પણ એક ભાષા હોય છે અને ખરા અર્થમાં એના અભિનયનો ક્યાસ કાઢીએ તો એમાં પણ એક જીવતી ભાષા મળે. ભાષાના આ ક્યાસમાં ક્યાંક સમગ્ર જીવન એક નોન ઝીરો સમ ગેઇમ જેવુ લાગે છે. ક્યાંક નિર્વિકાર શૂન્યમાં કોઈ નાદ એ જ નાદબ્રહ્મનો નાદ હોય છે, અને એ જ ભાષાનું ખરું ગૌરીશિખર હોય છે. આ બધાની વચ્ચે જીવનમાં સુમધુર સંગીત ના લયમાં ભાષાનો કોલાહલ હોય છે તો ગીતના શબ્દોમાં એનો લાવણ્યકારી વૈભવ બોલતો હોય છે. નાટક એ ભાષાની એક આગવી શૈલી રજુ કરતુ સ્ટેજ છે તો કવિતા એ ભાષાનું હૃદય છે. ગદ્ય એ ભાષાના સહારે રજુ થતું એક માર્મિક તાર્કિક કે પ્રાસંગિક વર્ણન છે. તો...