કોરોના વાયરસની બીજી લહેર દરમિયાન મોરબીની પરિસ્થિતિનો ચિતાર આપતો પોઝિટિવ વિચારોથી ભરપૂર નીરવ માનસેતાનો લેખ ઈશ્વર કદાચ ઉપરથી બેઠો બેઠો અત્યારે નીચે જોઈ રહ્યો હશે તો એ પણ પીઠ થાબડતો હશે કે શાબ્બાસ મોરબી! મોતને હરાવીને જિંદગીને જીતવાની આવડત આ મોરબી વાળા પાસે છે. એ ઈશ્વર જ કદાચ કોઈ અદ્રશ્ય સ્વરૂપે પાછો મોરબીને ધક્કો દઈને ફરીથી દોડતું કરવા માટે પ્રયત્ન કરતો જ હશે. મોરબી કાયમથી ઈતિહાસ રચવામાં માનનારું નગર છે. ગમે તેમ કરીને લડીને, તોડી મરોડીને, શામ-દામ-દંડ-ભેદ કોઈપણ રીતે નક્કી કરેલું કામ પાર ન પડે ત્યાં સુધી જંપે નહીં. આખું મોરબી અત્યારે સિરામિક અને સ્વૈચ્છિક સંસ્થાઓના ભરોષે જ ચાલે છે એવું કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી. 2021ના એપ્રિલ મહિનાની શરૂઆતમાં મોરબીની દુર્દશા થવાની શરૂઆત થઈ. પહેલી વેવમાં તો મોરબી પોતાના સંયમ અને સુઝબુજથી સુરક્ષિત રહેલું અને ત્યારે લોકડાઉનને કારણે વર્કર્સ પણ નહોતા મોરબીમાં. પણ મોરબી જેવા ઔદ્યોગિક શહેરમાં આ સ્ટ્રેઈનથી બચીને રહેવું મુશ્કેલ હતું. તદુપરાંત કોરોના ચાલ્યો જ ગયો છે એવું માનીને સ્વાભાવિક રીતે લોકો થોડા બેદરકાર પણ બની ગયેલાં અને આ સ્ટ્રેઈન આટલો ભયાનક હશે એવી કલ્પના પણ નહોતી. મોરબી દરેક બાબતોમાં આગળ હોય એમ જાણે બીજી વેવમાં પણ આગળ રહ્યું. જાણે આભ તૂટ્યું હોય એ રીતે કોરોના તૂટી પડ્યો. લોકો કઈં જોવે, સમજે એ પહેલાં તો રીતસર કોરોનાએ સર્જિકલ સ્ટ્રાઈક કરી મુકી. તમામ હોસ્પિટલ્સ રાતોરાત ઉભરાઈ પડી, ટેસ્ટિંગ કિટો ખુટી પડી, લોકોનો ધસારો એટલો વધ્યો કે ખાનગી લેબ્સની વ્યવસ્થા પણ થોડો સમય ખોરવાઈ ગઈ. ક્યાં જવું? શું કરવું કોઈને કઈં સમજ ન આવે. એકાદ અઠવાડિયું આવું ચાલ્યું. થોડી આંખ ખુલી, કળ વળી, પરિસ્થિતિની ગંભીરતાનો ખ્યાલ આવ્યો અને ત્યારબાદ શરૂ થઈ ખરાખરીની લડાઈ. પોતાના દમ ઉપર પોતાના શહેરના લોકોને બચાવવાનું એક કાયદેસરનું યુદ્ધ છેડાયું. મોરબીના લોકોએ કાળમુખા કોરોના સામે જંગ માંડી દીધો. એક બાજુ સિરામિક એસોશિએશન, રાજકીય પક્ષ, ઓરેવા ગૃપ, જયદિપ એન્ડ કંપની તેમજ અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા મોટાપાયે મોરબી અને ગામડાંઓ સુધી વિશાળ ફલક પર રેપીડ ટેસ્ટ કેમ્પ્સ શરૂ થયાં. જે હજી પણ અવિરત ચાલું છે. ઉપરાંત બીજી બાજુ જેને તાત્કાલિક ટ્રીટમેન્ટની જરૂર છે એવા લોકો માટે જ્ઞાતિ લેવલે તેમજ સર્વજ્ઞાતિય કોવિડ કેર સેન્ટર્સ તાબડતોબ ઉભાં કરવામાં આવ્યાં. અમુક સંસ્થાઓ જીવનરક્ષક ઓક્સિજન માટેની વ્યવસ્થામાં લાગી ગઈ. શક્ય હોય એટલા લોકોને દિવસ-રાત જોયા વગર ફ્રીમાં ઓક્સિજન તેમજ ઓક્સિજન વાલ્વ પૂરા પાડ્યા. કેટલીક સંસ્થાઓ/લોકો આઈસોલેટ દર્દીઓ માટે ટિફિનની વ્યવસ્થામાં લાગ્યાં તો અમુક સંસ્થાઓ/આગેવાનો યુદ્ધના ધોરણે એમ્બ્યુલન્સ ઉભી કરવામાં લાગી ગયાં. કોઈકે ફ્રી માસ્ક અને રાહતદરે ઓક્સિમીટર્સ આપ્યાં તો કોઈકે જરૂરીયાતમંદ લોકોને ફ્રીમાં બધા રીપોર્ટ્સ કરાવી આપ્યાં. ઘણાં ઉદ્યોગપતિઓએ પોતાની લકઝુરીયસ કાર દર્દીઓને લાવવા લઈ જવા માટે સેવામાં મુકી દીધી. દરેક પક્ષના અમુક નેતાઓ સતત લોકોની વચ્ચે રહ્યાં, તો અમુક ન રહ્યાં. લોકો સ્વૈચ્છિક લોકડાઉન તરફ પણ વળ્યાં. ગણતરીના દિવસોમાં બધી બાજુએ સેટ-અપ ગોઠવાતું ગયું. લોગ જુડતે ગયે, કારવાં બનતા ગયા. ફરી એક વખત સિરામિક કારખાનાના માલિકો દેવદૂતો બનીને ઉભરી આવ્યાં. લાખો, કરોડો રૂપિયાના દાનનો રીતસર વરસાદ થયો. ડોક્ટર્સ, મેડિકલ તથા પેરા-મેડિકલ સ્ટાફ, સ્વયંસેવકો આ બધાની ફોજ તૈયાર થઈ. જરૂર પડી તો બહારથી બોલાવાયા અને કોવિડ કેર સેન્ટર્સ ધમધમતાં થયાં જેમાં... (1) પાટીદાર કોરોના કેર સેન્ટર જોધપર, મોરબી અને ટંકારા - 600+ બેડ (2) યંગ ઈન્ડિયા ગૃપ સંચાલિત સર્વજ્ઞાતિય કોવિડ કેર સેન્ટર - 100 બેડ (3) જય અંબે સર્વજ્ઞાતિય કોવિડ કેર સેન્ટર - 100 બેડ (4) સિમ્પોલો સર્વજ્ઞાતિય કોવિડ કેર સેન્ટર - 100 બેડ (5) શ્રી યદુનંદન સર્વજ્ઞાતિય કોવિડ કેર સેન્ટર - 100 બેડ (6) રઘુવંશી કોવિડ આઈસોલેશન સેન્ટર - 50 બેડ (7) બ્રહ્મસમાજ કોવિડ કેર સેન્ટર - 50 બેડ (8) સતવારા સમાજ કોવિડ કેર સેન્ટર - 50 બેડ (9) ખોજા સમાજ કોવિડ કેર સેન્ટર - 20 બેડ (10) તંત્ર/સરકાર દ્વારા અમુક ગામડાઓમાં ચાલતા સેન્ટર્સ તેમજ સિવિલ હોસ્પિટલ - અંદાજે 100 બેડ. આ તમામ સેન્ટર્સ પર મોરબીના લોકોને વિનામૂલ્યે સઘન સારવાર અપાઈ અને હજારો દર્દીઓને સાજા કરીને બદલામાં ફક્ત આશિર્વાદ લઈને ઘરે મોકલ્યાં. મોરબીની જિંદાદિલી તો જુઓ સાહેબ, કોવિડ કેર સેન્ટર્સમાં પણ વાતાવરણ ગંભીર ન બને અને દર્દીઓ હળવાફૂલ રહી શકે એ માટેના વિવિધ કાર્યક્રમો રાસ-ગરબા, ડાયરા, રામધૂન, હાસ્યરસ, યજ્ઞ, વિવિધ તહેવારોની ઉજવણી આ બધું પણ ચાલી રહ્યું છે. તમામ કોવિડ કેર સેન્ટર્સમાં રોકડ રકમથી માંડી કોથળા ભરી ભરીને ડ્રાયફ્રૂટ્સ સુધીની તમામ વસ્તુઓ લોકોએ છુટ્ટા હાથે અને ખુલ્લા દિલે આપી. વિશેષ આભાર માનવો રહ્યો આ તમામ કોવિડ કેર સેન્ટર્સમાં નિ:સ્વાર્થ ભાવે 24 કલાક કામ કરતાં સંચાલકો, ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ, દાતાઓ, સ્વયંસેવકો, અન્ય તમામ સ્ટાફ તેમજ એમ્યુલન્સના તમામ સારથી ભાઈઓનો કે જેમણે પોતાના જીવના જોખમે અન્ય લોકોના જીવ બચાવ્યા. મોક્ષરથ અને મુક્તિધામની વ્યવસ્થામાં જોડાયેલા લોકો પણ ધન્યવાદને પાત્ર છે. આ તમામ લડવૈયાઓના ચરણોમાં કોટી કોટી વંદન છે. ખરા હ્રદયથી આભાર મોરબીની હકારાત્મક અને સદા સપોર્ટીવ મિડિયા ટીમનો. દરેક પત્રકાર મિત્રોએ સાચી માહિતી લોકો સુધી પહોંચાડી સતત લોકોને જાગૃત કરવા માટે પ્રયાસો કર્યાં છે. અત્યારે આ લખાઈ રહ્યું છે ત્યારે સમાચાર આવી રહ્યાં છે કે ઓક્સિજનની અછત થતાં અન્ય જિલ્લાઓમાંથી મેળવવો પણ મુશ્કેલ હોય, માત્ર 6 દિવસમાં જ સિરામિક એસોશિએસન તેમજ અન્ય સંસ્થાઓના સહયોગથી મોરબીમાં રોજના 1000 ઓક્સિજન સિલિન્ડર રીફિલ કરી શકાય એટલી વિશાળ ક્ષમતા ધરવતો ઓક્સિજન પ્લાન્ટ સ્વ-ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. લિક્વિડ ઓક્સિજન મળતાં જ ગણતરીના દિવસોમાં એ શરૂ પણ થઈ જશે. ધન્ય છે મોરબીની ખમીરવંતી પ્રજાને, ધન્ય છે મચ્છુના પાણીને. મોરબી હવે કોરોના સામેનો આ જંગ જીતી રહ્યું છે. પરિસ્થિતિ ધીમે ધીમે સુધરી રહી છે. નવા કેસોનું પ્રમાણ ઘટ્યું છે, સાવ ઓછું નથી થયું. જૂના દર્દીઓ...