ખાદ્યસામગ્રીની આપૂર્તિના અભાવે શ્રમિકો પગપાળા હિજરત કરવા મજબૂર મોરબી : ભારતમાં નિર્માણ થયેલી કોરોના મહામારીની સ્થિતિને લઈને ગુજરાત સરકારે શ્રેણીબદ્ધ પગલાંઓ ભર્યા છે. જેમાં કડક આદેશોની સાથો સાથ ગરીબ તેમજ શ્રમિક વર્ગની સુખાકારી માટે પણ તંત્રએ કમર કસી છે. ત્યારે મોરબીમાં બહારથી રોજી રોટી મેળવવા આવેલા શ્રમિક વર્ગને ગુજરાત સરકારની હાલ જાહેર થયેલી યોજનામાં સમાવેશ કરવા માટે કે.ડી. બાવરવાએ રજુઆત કરી છે. મોરબીમાં મજૂરી તેમજ નોકરી કરતા અને પોતાના વતનનું રેશન કાર્ડ ધરાવતા લોકોને ગુજરાત સરકારે જાહેર કરેલી રાહત યોજનાનો લાભ મળી રહે એ માટે કરેલી રજુઆતમાં સેતુબંધ ફાઉન્ડેશન મોરબીના પ્રમુખ કાંતિલાલ બાવરવાએ જણાવ્યું છે કે મોરબી એક ઔદ્યોગિક શહેર હોય અહીં બીજા વિસ્તારમાંથી લોકો રોજી રોટી રળવા માટે આવતા હોય છે. આ લોકો મજૂરી કરી અહીં રહે છે. પરંતુ તેઓનું રેશન કાર્ડ તેઓના વતનનું હોય છે. આજે જ્યારે રાજ્ય સરકારે ગરીબ લોકોને તારીખ 1 એપ્રિલથી મફતમાં અનાજ આપવાનું નક્કી કર્યું છે તે યોજનાનો લાભ આવા લોકોને મળે તે માટે તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ. રાશન-પાણીની વ્યવસ્થાના અભાવ વચ્ચે હાલમાં શ્રમિકો પગપાળા ચાલીને પોતાના વતન જવા માટે નીકળી પડ્યા છે જેનું મુખ્ય કારણ ખાદ્યસામગ્રીની આપૂર્તિનો અભાવ છે. તો આ બાબતે તાત્કાલિક યોગ્ય વ્યવસ્થા ગોઠવીને આદેશો બહાર પાડવા જોઈએ જેથી બહારથી આવેલા શ્રમિકોને હિજરત ન કરવી પડે એવી વિનંતી કે.ડી.બાવરવાએ કરી છે.