મોરબી : મોરબી જિલ્લા સહીત સમગ્ર ગુજરાતમાં અતિ વર્ષાના કારણે ખેડૂતોની જમીનનું ધોવાણ તેમજ પાકનું ધોવાણ થઇ ગયું છે. અને પાક બળી જવાના કારણે થયેલ નુકશાનીનો સરકાર દ્વારા સમયસર સર્વે કરીને ખેડૂતોને થયેલ નુકશાનનું વળતર ચૂકવવા, છેલ્લા ચાર વર્ષનો બાકી પાક વીમો ચૂકવવા, ખેડૂતોને તેની નીપજના પોષણક્ષમ ભાવો માટે તેમજ તેની નીપજની સમયસર અને પૂરતી ખરીદી થાય તે માટે ખેડૂતોનો અવાજ સરકાર સુધી પહોચે અને સરકાર આ બાબતે યોગ્ય કાર્યવાહી કરે તે માટે ખેડૂત અગ્રણીઓ કાંતિલાલ ડી. બાવરવા તથા મુકેશભાઈ ગામી આગળ આવ્યા છે. તેઓ દ્વારા ખેડૂતોના હિતમાં મોરબી જિલ્લાના ખેડૂતો વતી સીધી મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવે તેવી તૈયારીઓ કરવામાં આવી છે. અને આવી રજૂઆતો દ્વારા સમગ્ર જિલ્લામાંથી ઓછામાં ઓછી એક લાખ અરજીઓ તૈયાર કરીને મુખ્યમંત્રીને પહોચડવા માટેની કામગીરી શૂરું કરવામાં આવેલ છે. તેના ભાગરૂપે આજે જુદા જુદા ગામોનો પ્રવાસ કરીને ખેડૂતોની એકતા મજબૂત કરવા અને ખેડૂતોના અવાજને બુલંદ કરવા માટેની કામગીરી શરૂ કરેલ છે. જેથી, સરકાર ખેડૂતોને ન્યાય આપે તેવા આશયથી જુદા જુદા ગામના ખેડૂતોની અરજીઓ તૈયાર કરવાની કામગીરી શૂરું કરવામાં આવેલ છે. આ માટે આ બંને અગ્રણીઓ જિલ્લાના દરેક ગામોનો પ્રવાસ કરનાર છે. જેમાં હસુભાઈ કાસુંદરા તેમજ સંજયભાઈ કાવર પણ જોડાશે.