વાવડી રોડ ઉપર સિરામિક ઉદ્યોગકારને માર મારી મરચાની ભૂંકી છાંટી રૂ. 15.80 લાખની લૂંટ ચલાવવાના પ્રકરણમાં પોલીસની પ્રાથમિક પૂછપરછમાં બહાર આવી વિગતો મોરબી : મોરબીના વાવડી રોડ ઉપર સિરામિક ઉદ્યોગપતિને માર મારી આંખમાં મરચાની ભૂંકી છાટીને રૂ. 15.80 લાખની લૂંટ કરી ગયાના બનાવમાં તમામ ઉદ્યોગકારોએ ચેતવા જેવો ઘટસ્ફોટ થયો છે. જેમાં લૂંટમાં સંડોવાયેલા ત્રણેય શખ્સો પહેલા કોઈ ઉદ્યોગપતિ કે સિરામિક કંપનીના ડ્રાઇવર બનીને તમામ ઝીણવટભરી માહિતી મેળવીને બાદમાં લૂંટ કે ચોરી કરતા હોવાનું સામે આવ્યું છે. આ કેસમાં પણ એક આરોપી ઉદ્યોગકારોના ડ્રાયવર તરીકે કામ કરતો હતો. બાદમાં તક ઝડપીને અન્ય કંપનીમાં કામ ડ્રાઇવર તરીકે કામ કરતા તેના સાથીદારો સાથે મળીને લૂંટને અંજામ આપ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે ,આ ત્રણ આરોપીઓ ભરત દયારામભાઈ ચાવડા ઉં.વ. 32 રહે. પ્રેમનગર તા.રાધનપુર, વિક્રમ સુંડાભાઈ દિલેસા ઉં.વ. 20 રહે. પ્રેમનગર તા. રાધનપુર અને ચંદુ ઉર્ફે ચનો મોહનભાઇ ભિલોટા ઉં.વ. 25 રહે. સોલૈયા ગામની સીમમાં તા. માણસાવાળો છેલ્લા ઘણા સમયથી મોરબીની સિલ્વર પાર્ક સોસાયટીમાં રહેતા હતા.અહીંયા લૂંટ ચાલવીને રાધનપુર ચાલ્યા ગયા હતા.પોલીસે પણ સીસીટીવી ફુટેજના આધારે ઓળખ મેળવતા આ ત્રણેય શખ્સોની ભૂતકાળની હિલચાલ શંકાસ્પદ જણાય હતી.જેમાં આ ત્રણેય આરોપીઓ અગાઉ મોરબીના જુદાજુદા સીરામીક ફેકટરીના ડ્રાઇવર તરીકે કામ કરીને તેમની પૂરેપૂરી માહિતી મેળવીને મિલકત વિરોધી ગુનાઓ આચરતા હતા.ત્રણમાંથી એક ચંદુ નામનો શખ્સ સીરામીક ઉધોગપતિની પ્લેટીના સીરામીક કંપનીના ભાગીદારના ડ્રાઇવર તરીકે કામ કરતો હતો.બાકીના બન્ને શખ્સો આ સીરામીક ફેક્ટરીની બાજુની ફેક્ટરીમાં ડ્રાઇવર તરીકે કામ કરતા હતા આથી ત્રણેય શખ્સોએ સીરામીક ઉધોગપતિની આખી દિનચર્યા વિશે તેમજ વાવડી રોડ ઉપર તેમની ઓફીસ પાસે ત્રણ ચાર વખત રેકી કરીને ફુલપૃફ પ્લાન સાથે લૂંટને અંજામ આપ્યો હતો. જો કે આ કેસમાં મોરબી એલસીબીએ તેઓને ઝડપી પાડ્યા છે અને તેઓ વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. આ ત્રણેય શખ્સોની રિમાન્ડ દરમિયાન બીજા પણ ગુનાઓનો ભેદ ઉકેલાય તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે.