જિલ્લા કલેકટરે તમામ ઔધોગિક એકમોને પ્રદુષણ મામલે જીપીસીબીની શરતોનું પાલન કરવાની તાકીદ કરી મોરબી : મોરબીમાં ઔદ્યોગિક એકમો વારંવાર જોખમી કચરાનો જાહેરમાં આડેધડ નિકાલ કરીને પ્રદુષણ ફેલાવતા હોવાની સમયાંતરે ફરિયાદ ઉઠતી હોય છે.ત્યારે આ ગંભીર મામલે જિલ્લા કલેકટરે એક પરિપત્ર જાહેર કરીને ઔદ્યોગિક એકમોને પોતાના જોખમી વેસ્ટનો નિકાલ કરતા વાહનોમાં ફરજિયાત જીપીએસ સિસ્ટમ લગાવવાનો આદેશ આપ્યો છે અને જીપીસીબીની તમામ શરતોનું કડકપણે પાલન ન કરાય તો જવાબદાર એકમો સામે પ્રદુષણ એકટ હેઠળ કાર્યવાહી કરવાની તાકીદ કરી છે. મોરબી જિલ્લા કલેકટર જેબી પટેલે મોરબીના ઔદ્યોગિક એકમો માટે એક પરિપત્ર જાહેર કરીને જણાવ્યું હતું કે,વર્ષ 2016થી જોખમી કચરાના નિકાલ માટે કડક નિયમ અમલમાં છે.જેમાં ઔદ્યોગિક એકમોને જાહેર આરોગ્યને નુકશાન ન થાય તે રીતે જે તે એકમોને જોખમી વેસ્ટનો યોગ્ય રીતે નિકાલ કરવાનો હોય છે.દરમિયાન એનજીટીએ ગત તા.8/6/2019 ના રોજ ચુકાદામાં જીપીસીબીને સંયુક્તપણે જોખમી કચરાનું હેન્ડલિંગ કરતા ઔદ્યોગિક એકમોની પુનઃસમીક્ષા કરી કચરાનું પરિવહન કરતા તમામ વાહનોમાં જીપીએસથી જોડાયેલ છે તેની ચકાસણી કરવાનો હુકમ કર્યો હતો.આ બાબતને ધ્યાને લઈને મોરબી જિલ્લા વહીવટી તંત્રએ ઔધોગિક એકમોને સૂચના આપી છે કે,જોખમી કચરાનો નિકાલ કરતા તમામ ઔદ્યોગિક એકમોને પોતાના વેસ્ટનો પરિવહન કરતા વાહનોમાં જીપીએસ સિસ્ટમ લગાડવા,આવા એકમોએ પ્રદુષણ બોર્ડની સિસ્ટમમાંથી ઓનલાઈન મેનિફેસ્ટ જનરેટર કરવાની ,ઔદ્યોગિક એકમોને કેવી રીતે જોખમી કચરાનો નિકાલ કરવો એ અંગેની જીપીસીબીની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવા અને જો જોખમી કચરો આ ઉપરની શરતો મુજબ નિકાલ કરવામાં ન આવે તો તેની જવાબદારી જે તે ઉત્પાદકની રહેશે તેમ જણાવ્યું છે અને આ શરતોનું પાલન ન કરવામાં આવે તો જવાબદાર સામે શિક્ષાત્મક અને દંડનીય કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે.