મોરબી: મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા આજે ત્રિવિધ કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નવા વર્ષનું સ્નેહમિલન, સંસ્થા સાથે વર્ષ 2017થી સંકળાયેલા મોરબીના પત્રકાર ભાઈઓનું બહુમાન અને વર્ષ 2025-26 માટેના નવનિયુક્ત હોદ્દેદારોનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો.વર્ષ 2025-26 માટે ડૉક્ટર સુષ્માબેન દુધરેજીયાએ પ્રેસિડેન્ટ તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. તેમની સાથે અન્ય હોદ્દેદારોએ પણ પદભાર સંભાળ્યો હતો. જેમાં સેક્રેટરી તરીકે મનીષાબેન ગણાત્રા, વાઇસ પ્રેસિડેન્ટ તરીકે સાધનાબેન ઘોડાસરા, પૂનમબેન હિરાણી અને કામિનીબેન સિંહ તેમજ ટ્રેઝરર તરીકે પ્રીતિબેન દેસાઈએ શપથ લીધા હતા. ગઈ ટર્મના પ્રેસિડેન્ટ મયુરીબેન કોટેચાએ ડૉક્ટર સુષ્માબેનને પ્રેસિડેન્ટ તરીકેની પિન પહેરાવી નવા વર્ષની જવાબદારી સોંપી હતી અને પોતે ઇમિડીયેટ પાસ્ટ પ્રેસિડેન્ટ (IPP) તરીકેની જવાબદારી સ્વીકારી હતી. ક્લબના ફાઉન્ડર શોભનાબેન ઝાલાએ નવનિયુક્ત ટીમને તન-મન-ધનથી સમર્પિત થઈને મોરબીની જનતાને ઉપયોગી થાય તેવા સેવાકીય કાર્યો તેમજ મહિલાઓના વિકાસ માટેના કાર્યો કરવાના શપથ લેવડાવ્યા હતા.નવા પ્રેસિડેન્ટ ડૉક્ટર સુષ્માબેન દુધરેજીયાએ શપથ લીધા બાદ જણાવ્યું હતું કે, તેઓ પોતે ડૉક્ટર હોવાથી વર્ષ દરમિયાન હેલ્થ અવેરનેસ (આરોગ્ય જાગૃતિ) કાર્યક્રમો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરશે. આ ઉપરાંત, સ્વદેશી ભાવનાને જાગૃત કરે તેવા કાર્યક્રમો પણ યોજશે અને સંસ્થાના તમામ સભ્યોને સાથે મળીને કામ કરવા હાકલ કરી હતી.કાર્યક્રમમાં પૂર્વ યુવા પ્રમુખ જયરાજસિંહજી જાડેજાએ મુખ્ય અતિથિ તરીકે ખાસ હાજરી આપી હતી. મોરબી શહેર માટે ગૌરવરૂપ એવા મંત્રીમંડળમાં સ્થાન મેળવનાર કાંતિભાઈ અમૃતિયાને અતિથિ વિશેષ તરીકે આમંત્રિત કરીને તેમનું સન્માન અને અભિવાદન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, સંસ્થાના મેમ્બર અને કવિયત્રી માલાબેન કકડના નવા પુસ્તક 'કાવ્યમાલા'નું વિમોચન કરવામાં આવ્યું હતું અને લાયોનેસ પરિવારે તેમનું સન્માન કર્યું હતું. ઉપસ્થિત અતિથિઓ માં ખેતી ભાઈ તેમજ ગિરીશભાઈ સરવૈયાએ વર્ષ 2017 થી સંસ્થા દ્વારા થતી વિવિધ પ્રવૃત્તિઓને બિરદાવી હતી. આ ઉપરાંત સંસ્થા દ્વારા થતી પ્રવૃત્તિઓને મોરબી શહેરના ખૂણેખૂણા સુધી પહોંચાડી જનતાને વધારે ઉપયોગી થઈ શકાય તેવા હેતુથી 2017 થી સતત સંકળાયેલા પત્રકારો નું બહુમાન કર્યું હતું. કાર્યક્રમમાં અન્ય અતિથિ તરીકે ડોક્ટર પ્રદીપ દુધરેજીયા જગદીશભાઈ ઘોડાસરા પ્રફુલ્લાબેન કોટેચા તેમજ ભારતીબેન પુજારા હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન પ્રીતિબેન દેસાઈ અને નયનાબેન બારાએ કર્યું હતું, જ્યારે અંતમાં સેક્રેટરી મનીષાબેન ગણાત્રાએ પધારેલ સર્વે અતિથિઓ અને દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.