મોરબી : વર્ષ 2017 ના સ્થાપના થયા બાદ દર વર્ષે નેશનલ દ્વારા અપાતા પ્રોજેક્ટમાં કાયમી પ્રોજેક્ટ તરીકે મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા 5મી જૂને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ ઉજવણીના ભાગરૂપે સામાજિક વનીકરણ રેન્જ મોરબી દ્વારા આયોજિત કાર્યક્રમમાં ભાગ લઈને ધરમપુર પાસે નવા ડેવલપ થતા બગીચામાં વૃક્ષારોપણ કર્યું હતું. આ કાર્યક્રમમાં મોરબી-માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ મોરબી શહેરને હરિયાળુ બનાવવા માટે તેમણે જાહેર જનતાને વધુને વધુ વૃક્ષો વાવી તેનું જતન કરવાનું આહવાન કર્યું હતું. આ તકે મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબના ફાઉન્ડર શોભનાબા ઝાલાએ પણ વિશ્વ પર્યાવરણ દિવસ માત્ર એક દિવસ માટે જ નહીં પરંતુ આ દિવસની ઉજવણી નિમિત્તે રોપાયેલ દરેક વૃક્ષોનું નાના બાળકોની જેમ ઉછેર અને જતન થવું જોઈએ તેવું જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ક્લબ મેમ્બર્સ તેમજ આસપાસના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. ક્લબ પ્રેસિડેન્ટ ડો. સુષ્માબેન દુધરેજીયાએ ઉપસ્થિત તમામ અતિથિઓ તેમજ શ્રોતા ગણ અને ક્લબ મેમ્બર્સનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.