ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, આયુર્વેદ, હોમિયોપેથી, ડેન્ટિસ્ટ, ફિઝિયોથેરાપી, લેબ. ટેક્નિશિયન એસોસિએશન, વૈદ્યસભા સહિતના તબીબોએ આપ્યો ફાળો મોરબી: અયોધ્યામાં નિર્માણ થઈ રહેલા રામલ્લાના મંદિર માટે હાલ દેશમાં નિધિ સમર્પણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે મોરબીમાં વિવિધ ડોક્ટર એસોસિએશન અને સહયોગી સંસ્થાઓ દ્વારા રામ જન્મભૂમિમાં નિર્માણાધીન રામમંદિર માટે રૂપિયા ૨૦ લાખ ૫૧ હજારની નિધિ સમર્પણ રાશી એકત્રિત કરી અર્પણ કરવામાં આવી હતી. મોરબીના ઈન્ડીયન મેડીકલ એસોસિએશન, આયુર્વેદિક એસોસિયેશન, વૈદ્યસભા, હોમિયોપેથી એસોશીએશન, ડેન્ટિસ્ટ એસોસિયેશન, ફિઝિયોથેરાપી એસોસિએશન, લેબોરેટરી ટેકનીશીયન એસોસિયેશન સહિતની સહયોગી સંસ્થાઓ દ્વારા રામ મંદિર નિર્માણ માટે ધન રાશિ એકઠી કરવાનું અભિયાન ચલાવવામાં આવ્યુ હતું. તબીબી વ્યવસાય સાથે સંકળાયેલા ડૉક્ટરો, કર્મચારીઓ, ટેકનિશિયન સહિત તમામ લોકોએ આ અભિયાનમાં યથાશક્તિ પોતાનો ફાળો આપ્યો હતો અને ૨૨ લાખ ૫૧ હજાર રૂપિયાની ધનરાશિ એકત્રિત કરી તેનો ચેક રામમંદિર માટે ચલાવવામાં આવતા નિધિ સમર્પણ કાર્યાલય ખાતે અર્પણ કર્યો હતો. આ તકે શ્રી રામ મંદિર સ્વાગત સમિતિના સભ્ય ડોક્ટર મિત્રો ડોક્ટર વિજય ગઢીયા, ડોક્ટર દિપક અઘારા, ડોક્ટર હિતેશ પટેલ, ડોક્ટર જયેશ સોનારીયા, ડોક્ટર વિનોદ કૈલા સહિતના ડોક્ટરો નિધિ સમર્પણ કાર્યાલય ખાતે આ ધનરાશિ અર્પણ કરી હતી. આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલક અને મોરબીના જાણીતા તબીબ ડોક્ટર જયંતીભાઈ ભાડેશીયા, લલિતભાઈ ભાલોડીયા, વિપુલભાઈ અઘારા, મહેશભાઈ બોપલીયા, રામનારાયણભાઈ દવે, રમેશભાઈ તેમજ સંઘના અન્ય અધિકારીઓએ ઉપસ્થિત રહી રામભક્ત ડોક્ટર મિત્રોને અભિનંદન પાઠવ્યા હતા. તેમજ તમામ પ્રકારના સેવાકીય કાર્યોમાં યોગદાન આપતા મોરબીના તબીબોને બિરદાવ્યા હતા.