દબાણને કારણે ઘરમાં ઘુસી જતા પાણીથી ત્રસ્ત સ્થાનિકોએ પાલિકાને કરેલી રજુઆતમાં આંદોલનની ચીમકી મોરબી : ચાર દિવસ પૂર્વે પડેલા અનરાધાર વરસાદથી મોરબીવાસીઓને પૂર જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. પાછલા 48 કલાકથી વરસાદ વરસ્યો ન હોવા છતાં મોરબીના ઘણા વિસ્તારોમાં હજુ જળ જમાવની સ્થિતિ નજરે ચડી રહી છે ત્યારે વજેપર સર્વેમાં આવેલા આલાપ રોડ સ્થિત પાણીના હોકળાને લઈને સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. આલાપ રોડ સ્થિત પૌરાણિક અને રાજાશાહી સમયના હોકળા પર દબાણ થઈ ગયું હોવાથી દર વર્ષે ચોમાસા દરમ્યાન પાણીનો યોગ્ય નિકાલ નહીં થતા આસપાસની સોસાયટીઓમાં હોકળા સહીત વરસાદી પાણી ઘુસી જાય છે. ગત બે ચોમાસા દરમ્યાન પણ આ સમસ્યા ઉદભવી હતી પણ એમાંથી બોધપાઠ ન લેતા ચાલુ વર્ષે પણ આ સમસ્યા ઠેરની ઠેર છે ત્યારે સ્થાનિકોનો આક્રોશ ફૂટી નીકયો છે. રાજાશાહી સમયમાં આ સ્થળે 50 ફૂટ પહોળો અને 7 ફૂટની ઊંડાઇનો હોકળો ખાસ કરીને વરસાદી પાણીના નિકાલ માટે નિર્મિત કરવામાં આવ્યો હતો. જો કે સમયના વહેણ સાથે હોકળાની માઠી દશા બેઠી હોય એમ આ હોકળા ઉપર આડેધડ દબાણ ખડ઼ાઈ જતા પાણીના નિકાલમાં અવરોધ સર્જાયો છે. ગત 16 જાન્યુઆરી 2020ના રોજ સ્થાનિકોની ફરિયાદ અન્વયે પાલિકાએ હોકળામાંથી માત્ર કાટમાળ દૂર કરીને સંતોષ માન્યો હતો જેના માઠા ફળ હાલ પડેલા વરસાદે સ્થાનિકોએ ભોગવવા પડ્યા હતા. બે દિવસ પહેલા આસપાસના વિસ્તારોના ઘરોમાં બેથી પાંચ ફૂટ પાણી ભરાઈ જતા હવે સ્થાનિકો પાલિકા સામે આંદોલનનું શસ્ત્ર ઉગામવવા મજબુર બન્યા છે. જો આવનારા ત્રણ દિવસોમાં આ હોકળા ઉપરનું દબાણ દૂર કરીને પૂર્વવત સ્થિતિમાં નહીં લાવવામાં આવે તો મોરબી નગરપાલિકાની બેદરકારી સામે આંદોલન કરવાની ચીમકી સ્થાનિકોએ ઉચ્ચારી છે અને પાલિકાના ચીફ ઓફિસરને લેખિત જાણ પણ કરી છે. હવે જોવું રહ્યું કે પાલિકાનું નીંભર તંત્ર આંદોલનની ચીમકીથી જાગે છે કે પછી સ્થાનિકોએ આંદોલન કરવું જ પડશે એ આવનારો સમય બતાવશે.