મોરબી : હાલ અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને ભારે નુકશાની થઈ છે. અનેક ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે. ત્યારે સરકાર તરફથી મદદ મળે તેવા હેતુથી ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ એસોસીએસન દ્વારા દેવા માફીની માંગ સાથે મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી છે. ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ એસોસીએસનના જનરલ સેક્રટરી કે.ડી. બાવરવાએ રજુઆતમાં જણાવ્યું કે ચાલુ સાલે અતિભારે વરસાદના કારણે ખેડૂતોની જમીનનું ધોવાણ થયુ છે. વાવેલો પાક પણ ધોવાઇ ગયેલ છે. જગતના તાત એવા ખેડૂતોએ તનતોડ મહેનત કરીને ફરીથી પાકોનું વાવેતર કરેલ પરંતુ અવિરત મેઘવર્ષાના કારણે આ પાકો પણ નિષ્ફળ જવા પામેલ છે. આ ખેડૂતોએ ચોમાસા પહેલા પોતાના પાકો માટે ખેત ધિરાણ લીધેલ છે. પરંતુ હાલની તેઓની કફોડી પરિસ્થિતિ જોતા જે પાક થવો જોઈએ તે થવાના બદલે નિષ્ફળ ગયેલ છે. આવકના નામે હાલમાં ઝીરો છે. ત્યારે આ ખેડૂતો પોતે લીધેલ ધિરાણ કઈ રીતે પરત ભરશે તે ચિંતાનો વિષય છે. સરકાર ઉદ્યોગકારોને જો તેઓ લોન પરત ના ભરી શકે તો તેના માટે દેવા માફીની યોજનાઓ કરી દેવું માફ કરે છે. મોટા મોટા ઉદ્યોગોને પણ આવો લાભ આપે છે અને તેનું દેવું માફ કરે છે. જો ઉદ્યોગોપતિઓ લોકોને રોજગારી આપે છે તો ખેડૂતો પણ લોકોને રોજગારી આપે છે. જો ઉદ્યોગપતિઓ ટેક્ષ આપે છે તો ખેડૂતો પણ સમગ્ર ભારત દેશના લોકોને ભોજન પૂરું પાડે છે. જો ખેડૂતો અનાજ શાકભાજી ના પકવે, ઢોર રાખીને દૂધ ના આપે, તો તેના વગર જીવન શક્ય છે? તો આ ખેડૂતો જે નિઃસહાય છે, લાચાર છે, કુદરત ઉપર આધારિત છે. ખેડૂતો માટે આ ત્રીજું ખરાબ વર્ષ છે. ગત વર્ષ દુષ્કાળ હતો. એના પહેલાનું વર્ષ પણ અતિ વરસાદના કારણે લીલો દુષ્કાળ હતો અને ચાલુ સાલે પણ લીલો દુષ્કાળ છે. તો આમ ત્રણ ત્રણ વર્ષના મારને સહન કરવાની શક્તિ હવે આ ખેડૂતોમાં રહી નથી. જેથી તાત્કાલિક ખેડૂતોની દેવામાફી જાહેર કરવામાં આવે તેવી માંગ છે.