ખાડામાં ટ્રેક્ટર ખાબકતા માલસામાનનું ભારે નુકસાન: હાઇવે પર 2 થી 3 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ, તંત્ર ઘોર નિંદ્રામાંમોરબી અપડેટ : મોરબી નજીક નેશનલ હાઇવે પર લાલપર પાસે રસ્તાની હાલત અત્યંત બિસ્માર બની ગઈ છે. હાઇવે પર પડેલા મસમોટા ખાડાઓના કારણે વાહનચાલકો રોજેરોજ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. આજે પણ આ ખાડાઓના કારણે વધુ એક અકસ્માત સર્જાયો હતો, જેમાં એક માલવાહક ટ્રેક્ટર મોટા ખાડામાં પછડાતા ભાંગી ગયું હતું.મળતી માહિતી મુજબ, લાલપર પાસે હાઇવે પરના એક મોટા ખાડામાં સિરામિક ટાઇલ્સ ભરેલું ટ્રેક્ટર ખાબક્યું હતું. ખાડાની ઊંડાઈ અને રસ્તાની ખરાબ હાલતના કારણે ટ્રેક્ટરનો ભાગ તૂટી ગયો હતો અને તેમાં રહેલો ટાઇલ્સનો માલ રસ્તા પર ઢોળાઈ ગયો હતો. આ અકસ્માતના પગલે હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને અંદાજે 2 થી 3 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. સર્વિસ રોડ પર પણ ભારે ટ્રાફિક જોવા મળ્યો હતો.સ્થાનિકો અને વાહનચાલકો રોષ ઠાલવતા જણાવી રહ્યા છે કે, હાઇવે ઓથોરિટી અને જવાબદાર તંત્ર ઘોર નિંદ્રામાં છે. વારંવાર રજૂઆતો કરવા છતાં આ ખાડાઓ બુરવાની કોઈ કામગીરી થતી નથી, જેના કારણે આવા અકસ્માતો રોજિંદી ઘટના બની ગઈ છે. લોકો માંગ કરી રહ્યા છે કે, સંબંધિત અધિકારીઓ જાતે આ હાઇવેની મુલાકાત લે અને સત્વરે રસ્તાનું સમારકામ કરાવે જેથી અકસ્માતો અટકે અને વાહનચાલકોને પડતી મુશ્કેલીઓનો અંત આવે.#Morbi #Lalpar #MorbiHighway #HighwayAccident #Potholes #TrafficJam #MorbiUpdate #GujaratNews