હોસ્પિટલ ચોકથી વિજય ટોકીઝ રોડ પર પાર્કિંગના બોર્ડ પર કોઈએ કપડું બાંધી દીધું: વાહનચાલકો દંડાય તો જવાબદાર કોણ?મોરબી : શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં એકી-બેકી તારીખ મુજબ પાર્કિંગના બોર્ડ લગાવવામાં આવ્યા છે. પરંતુ કેટલાક લોકો પોતાના સ્વાર્થ ખાતર ટ્રાફિકના નિયમો અને બોર્ડ સાથે ચેડાં કરતા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.પ્રાપ્ત વિગતો અનુસાર, હોસ્પિટલ ચોકથી વિજય ટોકીઝ ચાર રસ્તા તરફ જતા રોડ પર, દિગંબર જૈન મંદિર સામે ટ્રાફિક વિભાગ દ્વારા તારીખ પ્રમાણે પાર્કિંગની સૂચના દર્શાવતું બોર્ડ મૂકવામાં આવ્યું છે. આ બોર્ડ પર એકી તારીખ (1, 3, 5, 7 થી 31) મુજબ પાર્કિંગ કરવા સૂચના લખેલી છે. પરંતુ કોઈએ ટીખળ ખાતર કે પછી પોતાની દુકાન કે મકાન બાજુ વાહનો પાર્ક ન થાય તેવા મલિન ઈરાદાથી આ બોર્ડ પર કપડું ઢાંકી દીધું છે અને પાછળની બાજુ ઉપર-નીચે ગાંઠ મારી દીધી છે.બોર્ડ પર કપડું બાંધી દેવાતા બહારથી આવતા કે સ્થાનિક વાહનચાલકોને પાર્કિંગની સાચી દિશા ખબર પડતી નથી. જેના કારણે ભારે મૂંઝવણ ઊભી થાય છે. સ્થાનિક નાગરિકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો બોર્ડ વાંચી ન શકવાના કારણે કોઈ વાહનચાલક ભૂલથી સામેની બાજુ વાહન પાર્ક કરી દે અને ટ્રાફિક પોલીસની ટોઈંગ વાન ટુ-વ્હીલર ઉઠાવી જાય કે ફોર-વ્હીલરને લોક મારી જાય, તો આ દંડની જવાબદારી કોની?ટ્રાફિક વિભાગે આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ અને તાત્કાલિક ધોરણે આ બોર્ડ પરથી કપડું હટાવીને વાહનચાલકોને પડતી મુશ્કેલી દૂર કરવી જોઈએ તેવી માંગ ઉઠવા પામી છે.#Morbi #MorbiUpdate #TrafficIssue #ParkingProblem #MorbiNews #TrafficPolice #CivicIssue