અકસ્માતમા ઘાયલ થયેલાનો જીવ બચાવવા જતા યુવકે ખૂદ અકસ્માતમા જીવ ગુમાવતા ભારે કરૂણાંતિકા સર્જાઈ મોરબી : મોરબીનો આશાસ્પદ યુવક ભચાઉ- ગાંધીધામ હાઇવે ઉપર અકસ્માતમા ઘવાયેલા એક બાઈકચાલકની મદદ માટે ગયો ત્યારે એક ટ્રેઇલરે તેને હડફેટે લેતા તેનું મોત નીપજ્યું છે. આ બનાવથી ભારે કરૂણાંતિકા સાથે ગમગીની પણ ફેલાઈ છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના વાવડી રોડ ઉપર રહેતા યંગ ઇન્ડિયા ગ્રૂપના સક્રિય કાર્યકર જીગ્નેશ મનહરલાલ પંડયા ઉ.વ.35 માતાના મઢે પોતાના મિત્ર સાથે બાઇક ઉપર ગયા હતા. આ વેળાએ ભચાઉ- ગાંધીધામ રોડ ઉપર એક બાઇક સ્લીપ થતું જોતા તેઓ તુરંત જ ઇજાગ્રસ્ત બાઈકચાલકની મદદ માટે પોતાના બાઇક પરથી ઉતરીને દોડી ગયા હતા. આ વેળાએ એક ટ્રેઇલરે તેઓને હડફેટે લેતા જીજ્ઞેશભાઈનું મોત નીપજ્યું હતું. સાથે તેઓના મિત્રને પણ ઇજાઓ પહોંચી હતી. અકસ્માતમા ઇજાગ્રસ્ત થયેલા બાઇકચાલકની મદદ માટે ગયેલા જીગ્નેશભાઈ ખુદ અકસ્માતનો ભોગ બની જતા ભારે કરૂણાંતિકા સર્જાઈ છે. અચાનક સર્જાયેલી આ દુર્ઘટનાથી તેમનો પરિવાર ઊંડા શોકમાં ગરકાવ થઈ ગયો છે. વધુમાં જીજ્ઞેશભાઈ યંગ ઇન્ડિયા ગ્રુપમાં એક સક્રિય કાર્યકર તરીકે સેવા આપતા હતા. યંગ ઇન્ડિયા ગ્રૂપના કાર્યક્રમોમા હરખભેર સેવાભાવનાથી જોડાઈને તેઓ પોતાની સેવા પ્રદાન કરતા હતા. તેઓના અકસ્માતે થયેલા મૃત્યુના સમાચાર મળતાની સાથે જ યંગ ઇન્ડિયા ગ્રૂપના સંસ્થાપક દેવેનભાઈ રબારીએ જીજ્ઞેશભાઈના મૃતદેહને અહીં લાવવા સહિતની તમામ વ્યવસ્થા કરી હતી.