મોરબી :હોળીની જ્વાળાઓ પરથી આગામી ચોમાસાનો વરતારો જાણવા મળે છે. હોળીની જ્વાળાઓ કઈ દિશાઓમાં જાય છે તેના પરથી ખગોળીય અને જ્યોતિષની દ્રષ્ટિએ આગામી ચોમાસુ કેવું રહેશે તેનો અંદાજ મળે છે.આજે તા. 28ના રોજ પ્રગટાવાયેલી હોળીની જ્વાળા પૂર્વ અને ઈશાન દિશામાં ગઈ હોવાથી આગામી ચોમાસુ બાર આની રહે તેવા એંધાણ મળી રહ્યા છે. ભડલી વાક્ય મુજબ, હોળી દિન કરો વિચાર, શુભ અને અશુભ ફળ સાર, પશ્ચિમનો વાયુ જો વાય, સમય એ જ સારો કહેવાય, વાયુ જો પુરવનો વાય, કોરો ને કઈ ભીની જાય,દક્ષિણ વાયુ ધન નો નાશ, એ સમય ન ઉપજે ઘાસ, ઉત્તરનો વાયુ બહુ હોય, પૃથ્વી પીઆર પાણી બહુ જોય, જો વંટોળ ચારે વાય, પૃથ્વી રણસંગ્રામ બતાય, ફાગણની પૂનમે દિન,હોળી સમયે પારખ કિન. આજે હોળી પ્રાગટય બાદ જ્વાળા પૂર્વ અને ઈશાન દિશામાં ગઈ હોવાથી આગામી વર્ષ બારઆની ચોમાસુ રહેવાના સંકેત હોવાનું મોરબીના જીજ્ઞેશભાઈ શાસ્ત્રીએ જણાવ્યું છે. આગામી ચોમાસુ સામાન્ય કરતાં વધારે સારું ચોમાસુ રહેશે અને ખંડવૃષ્ટિ વરસાદ થાય એકંદરે વર્ષ સુખદ પસાર થાય તેવું તેઓએ ઉમેર્યું હતું.