મોરબી : મોરબી જિલ્લાના પંચાયત હસ્તકના આરોગ્ય સેવાના મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર(મેલ), મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર(ફિમેલ), મેલ સુપર વાઇઝર, ફિમેલ સુપરવાઈઝર, ફાર્મસીસ્ટ, લેબ ટેક્નિશિયન, વગેરે જુદી જુદી છ કેડરના આરોગ્ય કર્મચારીઓની ઘણા સમયથી પડતર પ્રશ્નોની માંગણી લઈને તારીખ ૧૭/૧૨/૧૯ના રોજથી શરૂ થયેલી અચોક્કસ મુદ્દતની હડતાળ યથાવત રહી છે. જેના ભાગરૂપે મોરબી જિલ્લા સહિત ગુજરાતના તમામ ગામડાઓમાં આરોગ્ય સેવાઓ જેવી કે, રસીકરણ, જોખમી સગર્ભાઓની, ગર્ભાવસ્થાઓની સેવાઓ, બાળ મરણ અટકાયતી કામગીરી, મિશન ઇન્દ્રધનુસ, શાળા આરોગ્ય કામગીરી, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મેલેરિયા, જેવા વિવિધ રોગોની અટકાયતી કામગીરી પર ખુબજ માઠી અસર પડી રહી છે. આ બધી કામગીરી બંધ હોવા છતાં સરકાર દ્વારા આજદિન સુધી કોઈ પણ પ્રકારનું હકારાત્મક વલણ દાખવવામાં ન આવતા આરોગ્યકર્મીઓ રોષે ભરાયા છે. આરોગ્યકર્મીઓની હળતાલથી ગ્રામ્ય પંથકના લોકોના આરોગ્ય પર ખુબ જ ગંભીર ખતરો ઉભો થયો હોવા છતાં સરકારનું અસહકારાત્મક વલણ આરોગ્ય શાખાના કર્મચારીઓને અકળાવી રહ્યું છે. જો કે કર્મચારીઓ પોતાના વિવિધ પ્રશ્નોને લઈને રજૂ કરેલી માંગણીઓનું નિવારણ ન આવે ત્યાં સુધી નમતું જોખવાના મૂડમાં નથી.