કોરોના વેકસીનની કામગીરીનો પણ બહિષ્કાર કરાયો મોરબી : મોરબી જિલ્લાના ગ્રામીણ વિસ્તારના આશરે 284 જેટલા આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી જતા ગ્રામ્ય કક્ષાની આરોગ્ય સેવા ઠપ્પ થઈ ગઈ છે. જેથી, ગ્રામ્ય વિસ્તારોમાં દર્દીઓને હાલાકી ભોગવવી પડે છે. જેમાં ગામોમાં બાળ આરોગ્ય સેવાઓ, સગર્ભાઓ, ધાત્રી માતાઓની સેવાઓ, તરુણ-તરુણીઓની સેવાઓ, રસીકરણ, ટેકો એન્ટ્રીની સેવાઓ ખોરવાઈ ગઈ છે. ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ ગાંધીનગરના આદેશ મુજબ ગઈકાલથી ૨૮૪ જેટલા આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરી ગયા છે. જેના પગલે ગ્રામ્ય કક્ષાની આરોગ્ય સેવાઓ પર ગંભીર અસર થઈ છે. લેબોરેટરી ટેક્નિશિયન ન હોવાના કોરોના તેમજ બીજા ઘણા પ્રકારના રોગોના નિદાનની કામગીરી અટકી પડી છે. ફાર્માસીસ્ટ ન હોવાના કારણે દવા અને વેક્સીન વિતરણની કામગીરી મેડિકલ ઓફીસરોએ જાતે કરવી પડી રહી છે. સ્ટાફ નર્સ ન હોવાના લીધે સ્થાનિક કક્ષાએ સંસ્થાકીય પ્રસુતિનું કામ અટક્યું હોવાથી સગર્ભાઓને હાલાકી ભોગવવી પડે છે. મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરો દ્વારા ગ્રામ્ય કક્ષાએ થતુ કોરોના, મેલેરીયા, ટી.બી., ડેન્ગ્યુ જેવા વિવિધ બીમારીના અનેક સર્વેની કામગીરી બંધ થઈ છે. લેબોરેટરી ટેક્નિશિયન ના હોવાના કારણે કોવીડ અંતર્ગત આર.ટી.પી.સી.આર.ના નમુના લઈ નિદાન કરવાની કામગીરી સદંતર બંધ થઇ છે. પી.એચ.સી. તાલુકા હેલ્થ ઓફિસ અને જીલ્લા કક્ષાએથી થતા રાજ્ય અને કેન્દ્ર સરકારના તમામ રિપોર્ટ ઠપ્પ થઈ ગયા છે. આ અંગે મોરબી જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળના દિલીપભાઈ દલસાણીયાએ જણાવ્યું હતું કે, પડતર પ્રશ્ને હડતાલ કરવામાં આવી છે. જેમાં આરોગ્યની સાત કેડરમાં મેઈલ-ફિમેઇલ હેલ્થ વર્કરો, લેબ ટેક, ફાર્મસીસ્ટ,સુપરવાઇઝર સહિતનો સ્ટાફ જોડાયો છે. આ સ્ટાફ ગ્રામ્ય કક્ષાની તમામ આરોગ્ય સેવાઓની સાથે કોરોના વેકસીનની કામગીરી પણ જોડાયા નથી. જ્યાં સુધી આરોગ્ય કર્મચારીઓના પે ગ્રેડ સહિતના પ્રશ્નોનું નિરાકરણ ન આવે ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે તેમ જણાવ્યું હતું.