મોરબી : મોરબીમાં તાજેતરમાં શિષ્યવૃત્તિની પરીક્ષા દરમિયાન ફરજ પરના સુપરવાઈઝરને શિક્ષકે માથાકૂટ કરીને માર માર્યાની એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ જવાબદાર શિક્ષકને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા હતા. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીની જ્ઞાનપથ સ્કૂલમાં તાજેતરમાં શિષ્યવૃત્તિની પરીક્ષા ચાલી રહી હતી. ત્યારે ચાલુ પરિક્ષાએ પરીક્ષા ખંડમાં પ્રવેશવા બાબતે ફરજ પરના સુપરવાઈઝર અને મોરબીના સામાકાંઠે આવેલ ઇન્દિરાનગરની શાળાના શિક્ષક રોહિતભાઈ આદ્રોજા વચ્ચે માથાકૂટ થઈ હતી. બાદમાં શિક્ષકે માર માર્યાની સુપરવાઈઝરે મોરબી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતો. આ મામલો મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સમક્ષ પહોંચ્યો હતો. આથી, આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈને મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તાત્કાલિક અસરથી જવાબદાર શિક્ષકને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો હતો.