ચાલુ માસે ખેડૂતો પાણીની માંગણી સાથે આંદોલન કરે તેવી દહેશતને પગલે જાહેરનામું અમલી મોરબી : ચાલુ માસમાં મોરબી જિલ્લામાં વિવિધ રાજકીય પક્ષો દ્વારા આંદોલનાત્મક કાર્યક્રમો આપવામાં આવતા હોય જેને ધ્યાને લઇ આ સમય દરમ્યાન મોરબી જિલ્લા વિસ્તારમાં કાયદો વ્યવસ્થા, જાહેર સુલેહ શાંતિ અને સલામતી જળવાઇ રહે અને કોઇ અનિચ્છનીય બનાવો તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ચાર વ્યક્તિને ભેગા થવા ઉપર પ્રતિબંધ મૂકી હથિયાર બંધીનું જાહેરનામું અમલી બનાવ્યું છે. અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ કેતન.પી.જોષી, મોરબી જિલ્લા, મોરબી સને. ૧૯૫૧ ના ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૩૭(૧) થી મળેલ સત્તાની રુએ મોરબી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા.૩૦-૧૧-૨૦૧૮સુધી નીચે દર્શાવ્યા મુજબના કૃત્યો કરવાનીમનાઇ ફરમાવેલ છે, જેમાં હથિયાર, તલવાર, ભાલા,બંદુક, છરી, લાકડી કે લાઠી, શસ્ત્રો, સળગતી મશાલ,બીજા હથિયારો કે જેના વડે શારીરિક ઇજા કરી શકાય તે સાથે રાખી ફરવાનું.પથ્થરો અથવા ફેંકી શકાય તેવી બીજી વસ્તુઓ અથવા તેવી વસ્તુઓ ફેંકવાની કે ઘકેલવાની અથવા સાધનો લઇ જવા, એકઠા કરવા અથવા તૈયાર કરવાનું.મનુષ્યો અથવા શબો અથવા આકૃતિઓ અથવા પુતળા દેખાડવાની જેનાથી સુરુચિ અથવા નિતિઓનો ભંગ થાય તેવા ભાષણ કરવાની તથા ભેદભાવ અથવા ચેષ્ટા કરવાનું તથા તેવા ચિત્રો, પ્લેકાર્ડ પત્રિકા અથવા બીજા કોઇ પદાર્થો અથવા વસ્તુઓ તૈયાર કરવાનું તથા બતાવવાનું અથવા ફેલાવો કરવા પર પ્રતીબંધ ફરમાવેલ છે. આ ઉપરાંત મોરબી જિલ્લામાં હાલમા વરસાદ ઓછો થવાને લીધે સિંચાઈ માટે પાણીની માંગણી માટે ખેડુતો દ્વારા ધરણા કાર્યક્રમો કરે તેવી શકયતા હોવાનું તેમજ પીવાના પાણીની અછતના પ્રશ્ને મોરબી નગરપાલીકા તથા કલેકટર કચેરી મોરબી તેમજ અન્ય સરકારી કચેરીઓ ખાતે સરઘસ કાઢી આવેદનપત્ર આપે તેવી શકયતાઓ નકારી શકાય નહિ તેમ હોવાનું તેમજ જુદા-જુદા સમાજના વિવિધ હોદ્દેદારો રાજયભરમાં પ્રવાસ કરી રહેલ હોય ઉપરાંત નવેમ્બર માસમાં નાના મોટા આવતા ધાર્મિક તહેવાર અને વિવિધ રાજકીયપક્ષો દ્વારા આંદોલનાત્મક કાર્યક્રમો આપવામાં આવતા હોય મોરબી જિલ્લામાં જાહેર સુલેહ શાંતિ તથા કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુસર કેતન.પી.જોષી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ મોરબીને મુંબઇ પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૭(૩) થી મળેલ અધિકારની રૂએ એક જાહેરનામું પ્રસિધ્ધ કરી મોરબી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા.૩૦-૧૧-૨૦૧૮ સુધી સક્ષમ અધિકારીની મંજુરી વિના જાહેર સ્થળોએ અનઅધિકૃતરીતે/ ગેરકાયદેસર રીતે ચાર કરતા વધુ વ્યકિતઓએ એકત્રીત થવું નહી અથવા કોઇ સભા ભરવી નહી કે કોઇ સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ ફરમાવેલ છે.