મોરબીઃ મોરબીના રવાપર-ધૂનડા રોડ પર આવેલા સન સિટી ગ્રાઉન્ડ ખાતે 19 ડિસેમ્બરથી 25 ડિસેમ્બર સુધી મોરબી સત્સંગ સમાજ દ્વારા હનુમાન ચાલીસા કથા આયોજિત કરવામાં આવી છે. આ હનુમાન ચાલીસા કથામાં આગામી શનિવારના રોજ હનુમાન જન્મોત્સવ અને અન્નકૂટ ઉત્સવ ઉજવાશે. હનુમાન ચાલીસા કથાના આયોજનમાં 24 ડિસેમ્બર ને શનિવારના રોજ રાત્રે 8-30 કલાકે કથા સ્થળે હનુમાન જન્મોત્સવ અને અન્નકૂટ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. જેમાં 151 કિલો ચોકલેટ-કેડબરી દાદાને ધરવામાં આવશે. 108 કિલો પુષ્પવર્ષાથી હનુમાનજી મહારાજના સંતો-ભક્તો વધામણાં કરાશે.સાથે જ અનેક પ્રકારના હનુમાનજી અને વાનરસેનાન દર્શન થશે. લોકો પોતાના બાળકને હનુમાનજી બનાવીને જન્મોત્સવમાં લાભ લઈ શકે છે. આ પ્રસંગે સમગ્ર સભા મંડપને ફૂલો અને ફુગ્ગાઓથી સજાવવામાં આવશે. હનુમાન જન્મોત્સવ નિમિત્તે દાદાને ભવ્ય અન્નકૂટ ધરવામાં આવશે. આ માટે ભક્તો પોતાના ઘરેથી 500 ગ્રામ કોઈપણ વાનગી લાવી શકે છે. અન્નકૂટ સાંજે 4 થી 7 વાગ્યા સુધીમાં જમા કરાવી દેવાનો રહેશે.મહત્વનું છે કે, સાળંગપુરધામના હરિપ્રકાશદાસજી સ્વામી દરરોજ રાત્રે 8-30 થી 11-30 વાગ્યા સુધી હનુમાન ચાલીસા કથાનું રસપાન કરાવી રહ્યા છે.