રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાની મહેનત રંગ લાવી, વડાપ્રધાનના ગતિશક્તિ પ્રોજેક્ટમાં હાઈવેનો સમાવેશ : જેતપર પીપળી રોડને પણ ટૂંક સમયમાં મંજૂરી મળવાના સંકેત મોરબી : રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના પ્રયત્નોથી મોરબી-હળવદ હાઇવે ફોરલેન પ્રોજેક્ટને સરકારની લીલીઝંડી મળી છે અને પરફેક્ટ ઇન્ફોક્રોપ પ્રાઇવેટ લિમિટેડ કંપનીને હાઇવે બનાવવા માટે 15.51 ટકા ઉંચા ભાવે રૂપિયા 26.46 કરોડના વધારા સાથે કુલ રૂપિયા 197 કરોડના ખર્ચે હાઇવે બનાવવા અને વડાપ્રધાનના ગતિશક્તિ પ્રોજેક્ટમાં આ રોડને સમાવવામાં આવ્યો છે. મોરબી સિરામીક ક્લસ્ટરની ધોરી નસ સમાન મોરબી - હળવદ હાઇવે લાંબા સમયથી બિસ્માર હાલતમાં હોવાની સાથે ભારે ટ્રાફિકને કારણે આ માર્ગ ટૂંકો પડી રહ્યો હોય રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા દ્વારા અંગત રસ લઈ હળવદ-મોરબી હાઈવેને ફોરલેનમાં પરિવર્તિત કરવા સતત રજૂઆતો કરતા અંતે રાજ્ય સરકાર દ્વારા આ ફોરલેન રોડ પ્રોજેક્ટ મંજુર કરવામાં આવ્યો હતો. આ ફોરલેન માર્ગ માટે 170 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો હતો અને ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવતા પરફેક્ટ ઇન્ફોક્રોપ પ્રાઇવેટ લિમિટેડ કંપનીને હાઇવે બનાવવા માટે 15.51 ટકા ઉંચા ભાવે રૂપિયા 26.46 કરોડના વધારા સાથે કુલ રૂપિયા 197 કરોડના ખર્ચે ટેન્ડર મંજુર રાખવામાં આવ્યો છે. વધુમાં રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા સમગ્ર પ્રોજેક્ટને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગતિશક્તિ પ્રોજેક્ટ હેઠળ સાંકળી લઈ ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવતા ટૂંક સમયમાં જ હળવદ -મોરબી ફોરલેન પ્રોજેક્ટના કામનો પ્રારંભ થશે. હાલમાં આ પ્રોજેક્ટનું સુપરવિઝન મોરબી અને હળવદ માર્ગ મકના વિભાના નાયબ કાર્યપાલક ઇજનેરને સોંપવામાં આવ્યું છે. નોંધનીય છે કે જેતપર પીપળી રોડ ફોરલેન પ્રોજેક્ટ માટે પણ રાજ્યમંત્રી સતત ફોલોઅપ લઈ રહ્યા હોય ટૂંક સમયમાં જ આ પ્રોજેક્ટ પણ સાકાર થવાના સંકેતો મળી રહ્યા છે.